પ્રશ્ન જિલ્લા સ્વાગતમાં હોવાથી અરજદારને બોલાવાયા પણ અધિકારીઓ ગેરહાજર રહેતા ધક્કો થતા રોષમોરબી: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામને સૌની યોજના હેઠળ આવરી લેવા માટે કાર્યપાલક ઇજનેર, સૌની યોજના વિભાગ, રાજકોટ સમક્ષ ખાસ કિસ્સામાં નવી પાઇપલાઇન નાખીને લાભ આપવા રજૂઆત કરવામાં આવી છે. જોકે પ્રશ્ન જિલ્લા સ્વાગતમાં હોવાથી અરજદારને બોલાવાયા પણ અધિકારીઓ ગેરહાજર રહેતા લોકોને ધક્કો થતા રોષ જોવા મળ્યો હતો. ગામના પ્રતિનિધિઓએ અગાઉ કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, ગામ ખૂબ જ ઊંચાઈ પર આવેલું હોવાથી પાણીના તળ ઊંડા છે અને તેની ભૌગોલિક પરિસ્થિતિ ઊંધી રકાબી જેવી છે. જેના કારણે વરસાદનું પાણી વહીને આસપાસના ગામોમાં જતું રહે છે અને ગામ પાણીથી વંચિત રહે છે. વિકટ પરિસ્થિતિના કારણે ખેડૂતોને શિયાળુ પાક માટે પાણીની અછત વર્તાય છે, જેનાથી ઉત્પાદન ઓછું આવે છે અને તેઓ પાયમાલ થઈ રહ્યા છે.અધિકારીઓ દ્વારા અગાઉના સર્વેમાં 'ગ્રેવીટી'થી પાણી પહોંચી શકે તેમ નથી તેવું જણાવાયું હતું. જોકે, રજૂઆત કરનારાઓએ લિન્ક-3, પેકેજ-6ની મુખ્ય પાઇપલાઇન પરના સાંકળ 72363 પર મૂકવામાં આવેલ સ્કાવર વાલ્વ પાસેથી નવી પાઇપલાઇન નાખવામાં આવે તો, અંતર માત્ર 5.5 કિમી જેટલું થશે અને વહનનો હેડ પણ ઓછો રહેતો હોવાથી ગ્રેવીટીથી પાણી પહોંચી શકે તેમ છે. આ પાઇપલાઇન દ્વારા ગામના વોકળા ભરવાથી નજીવા ખર્ચે કામગીરી થઈ શકશે અને વધારાનું પાણી ડેમી-1 ડેમમાં જશે, જે ડેમ ભરવામાં પણ મદદરૂપ થશે.હાલના નિયમ મુજબ સૌની યોજનાનો લાભ 3 કિમીની મર્યાદામાં જ મળે છે, પરંતુ ગામની અત્યંત વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈને 3 કિમીથી થોડું વધારે અંતર હોવા છતાં ખાસ કિસ્સામાં નવી પાઇપલાઇન નાખીને લાભ આપવા અપીલ કરાઈ છે.સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓ હાજર ન રહેતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો. આ પ્રશ્ન રજૂ કરવા માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેલા વિરેન્દ્રસિંહ જાડેજા (ગામ પીપળીયા) એ જણાવ્યું હતું કે, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેકટર, અધિક કલેક્ટર કે ડીડીઓ સહિત કોઈ હાજર નહોતા. ખેડૂતલક્ષી પ્રશ્ન હોવા છતાં સૌની યોજનાના એક પણ અધિકારી હાજર ન રહેતા, 55 કિલોમીટરનું અંતર કાપીને આવેલા ખેડૂતોનો સમય બરબાદ થયો હતો. તેમણે આ પ્રકારના કાર્યક્રમો યોજીને ખેડૂતોનો ખોટો સમય બગાડવા બદલ રોષ વ્યક્ત કર્યો હતો.