અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિતનાએ વહેલી સવારમાં લગાવી દોડમોરબી: દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ આજે મોરબીમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે 'એકતા દોડ' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકતા દોડ સવારે 07:45 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ કરીને નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી યોજવામાં આવી હતી. ત્યારબાદ સરદાર સાહેબના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.મોરબી જિલ્લા પોલીસ, મોરબી મહાપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ દોડનો હેતુ લોકોમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવવાનો હતો. આ અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિતે રન ફોર યુનિટી યોજવામાં આવી હતી. જેમાં પોલીસ જવાનો, છાત્રો, કર્મચારીઓ સહિતના જોડાયા હતા. આ રનમાં 8 વર્ષના બાળકોથી લઈ 60થી 70 વર્ષ સુધીના લોકો સામેલ થયા હતા. સરદાર સાહેબનો એકતા અને અખંડિતતાનો સંદેશ તમામ શહેરીજનો સુધી પહોંચાડવા આ દોડ યોજવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે જણાવ્યું કે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના મૂલ્યો અને સંદેશને જીવનમાં ઉતારીશું તો દેશનો વિકાસ નવી ઊંચાઈએ આંબશે. મોરબીજનોને મારી વિનંતી છે કે સરદાર સાહેબના વિચારોને જીવનમાં જરૂર અમલ લાવો. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ભારતની એકતા અને અખંડિતતાનો સંદેશ આપવા એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે.