મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા અને તૈયાર પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે ગુજરાતના મુખ્યમંત્રીને ઈ-મેઈલ દ્વારા વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. સંઘે ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરીને વિશેષ રાહત પેકેજ ચૂકવવાની માગણી કરી છે.સંઘે રજૂઆતમાં જણાવ્યું છે કે કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ, સોયાબીન, અડદ અને મગ જેવા ખરીફ પાકોને મોટું નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. છેલ્લા ત્રણથી ચાર સીઝનથી ખેડૂતો કુદરતી આપત્તિઓ અને રોગચાળા સામે ઝઝૂમી રહ્યા હોવાથી તેઓ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી 1 નવેમ્બર, 2055થી શરૂ થવાની છે, પરંતુ ખેડૂત દીઠ કેટલો જથ્થો ખરીદાશે તે હજી જાહેર થયું નથી. આ સ્થિતિમાં ખેડૂતોને બજારમાં ખુબ નીચા ભાવે પાક વેચવા મજબૂર થવું પડે છે, જેનાથી તેમને પાક નુકસાન અને નીચા બજાર ભાવ બંનેનો માર સહન કરવો પડે છે. તેમજ તેમણે આશંકા વ્યક્ત કરી છે કે ખરીદી કેન્દ્રો પર રિજેક્શન થવાથી ખેડૂતોને સમય અને નાણાંનો વ્યય થશે.ભારતીય કિસાન સંઘે સ્પષ્ટ માંગ કરી છે કે રાહત પેકેજમાં દર વખતે મળતી નજીવી સહાય (રૂ. 12,000 થી રૂ. 15000 પ્રતિ ખાતું) ખેડૂતોની આખા વર્ષની કમાણીના નુકસાન સામે પૂરતી નથી. તેમણે રાજ્ય સરકારને SDRF યોજનાથી ઉપર ઉઠીને ખેડૂતોના હિતમાં વિશેષ પેકેજ જાહેર કરવા અને તેમાં મોરબી જિલ્લાનો સમાવેશ કરવાની ભારપૂર્વક ભલામણ કરી છે. કિસાન સંઘે આશા વ્યક્ત કરી છે કે સરકાર તેમની રજૂઆત પર યોગ્ય ચકાસણી કરીને ઝડપથી અને હકારાત્મક નિર્ણય લેશે.