36 કિમીનો પરિક્રમા રૂટ કાદવ-કીચડ વાળો થઈ ગયો હોવાથી ભાવિકોની સલામતીને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય : માત્ર સાધુ-સંતો અને મર્યાદિત સંખ્યામાં ભાવિકો સાથે પ્રતીકાત્મક પરિક્રમા જ યોજાશેમોરબી : લાખો ભાવિકો દર વર્ષે ભાવભેર જેમાં જોડાય છે તે ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે માવઠાને કારણે મોકૂફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત વરસેલા વરસાદના કારણે 36 કિમીનો પરિક્રમા રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ-કીચડથી ભરપૂર બની ગયો છે, જેના પગલે સામાન્ય શ્રદ્ધાળુઓની સુવિધા તેમજ સલામતીને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સાધુ-સંતો અને ઉપસ્થિત સાંસદ તેમજ ધારાસભ્યની હાજરીમાં આ નિર્ણય લેવાયો હતો. જોકે, ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે માત્ર સાધુ-સંતો અને મર્યાદિત સંખ્યામાં ભાવિકો સાથે પ્રતીકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આવતીકાલે તા. 1 નવેમ્બરના રાત્રિના મુહૂર્તમાં યોજાશે. જે રૂટ પર પરિક્રમા યોજાય છે તે 36 કિમીના રોડ પર કમોસમી વરસાદના કારણે રોડ રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને રોડ તૂટેલી હાલતમાં છે. જેના કારણે ભારે વાહનોને જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જેના કારણે આ વર્ષે તંત્ર દ્વારા પરિક્રમા ભાવિકો માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.વધુમાં બોરદેવી જતાં રસ્તા સુધી પણ વાહનોનું પસાર થવું અશક્ય બન્યું છે. રસ્તાઓ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય એટલું વ્યાપક છે કે પગપાળા ચાલવું પણ અત્યંત મુશ્કેલ છે. લાખો ભાવિકો પોતાના પરિવાર, બાળકો અને વૃદ્ધો સાથે આ 36 કિમીની કઠિન યાત્રા કરતા હોય છે, પરંતુ રૂટની આ હાલત જોતા તેમની સુરક્ષા જોખમાય તેવી સ્થિતિ હતી. જંગલ સંપૂર્ણપણે ભીનું થઈ જતાં રાત્રિ રોકાણ કરનારાને ઠંડી, ભીનાશ અને અગવડતાનો સામનો કરવો પડે તેમ હતો. ભીના જંગલમાં ભોજન બનાવવા માટે સૂકા લાકડા મળવા અતિ મુશ્કેલ છે, જેના કારણે અન્નક્ષેત્રોને મુશ્કેલી પડે તેવી સ્થિતિ હતી.આ નિર્ણયથી જૂનાગઢના વેપારીઓને મોટો ફટકો પડશે. શિવરાત્રી મેળો અને લીલી પરિક્રમા જૂનાગઢ માટે કરોડો રૂપિયાનું આર્થિક બૂસ્ટર સમાન છે. પરિક્રમા રદ થવાથી સ્થાનિક વેપારીઓ અને ગુજરાત બહારથી પેટીયું રળવા આવતા લોકોને આર્થિક ફટકો પડશે.