મોરબી: મોરબીની કોર્ટે ચેક રિટર્ન (બાઉન્સ)ના એક કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં આરોપીને ચેકની રકમ કરતાં બમણો દંડ, 9% વાર્ષિક વ્યાજ અને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.કેસની વિગત અનુસાર, આરોપી અનિલભાઈ માવજીભાઈ ડાભી (મોરબી)એ ફરિયાદી મનહરભાઈ રમેશભાઈ હડીયલ પાસેથી છ માસ માટે મિત્રતાના સંબંધે રૂ. 6,00,000 (છ લાખ) હાથ ઉછીના લીધા હતા. આ રકમની ચૂકવણી માટે આરોપીએ પ્રોમિસરી નોટ લખી આપી હતી અને 6 લાખનો પાકતી તારીખનો ચેક પણ આપ્યો હતો. જ્યારે ફરિયાદીએ નિયત તારીખે આ ચેક બેંકમાં જમા કરાવ્યો, ત્યારે આરોપીના ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાને કારણે ચેક રિટર્ન થયો હતો. આરોપી દ્વારા રકમ ન ચૂકવાતા, ફરિયાદીએ તેમના વકીલ નિકુંજ પુનમચંદભાઈ કોટક મારફત નોટિસ આપી હતી. તેમ છતાં રકમ ન મળતાં, ફરિયાદીએ મોરબી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન, ફરિયાદીના વકીલ નિકુંજ કોટક અને તેમની ટીમની દલીલોને ધ્યાનમાં રાખીને, નામદાર મેજીસ્ટ્રેટ એસ.એ. મેમણએ આરોપીને ચેકની રકમની બમણી રકમ એટલે કે રૂ. 12,00,000 (બાર લાખ) અને ફરિયાદની તારીખથી ચૂકવણીની તારીખ સુધીનું વાર્ષિક 9 % વ્યાજ ચૂકવવા આદેશ કર્યો છે. તેમજ આરોપી અનિલભાઈ માવજીભાઈ ડાભીને એક વર્ષની કેદની સજા પણ ફટકારવામાં આવી છે. ફરિયાદી વતી વકીલ નિકુંજભાઈ કોટક, હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, કિશોરભાઈ સુરેલા, વિશાલભાઈ ચાવડા, તથા અશોકભાઈ દામાણી રોકાયેલ હતા.