તાત્કાલિક સરકાર રાહત પેકેજ અને પાક વીમો આપે તેવી ખેડૂતોની ઉગ્ર માગણીમાળિયા (મિયાણા) : કમોસમી વરસાદના કારણે સમગ્ર મોરબી જિલ્લામાં ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે. મગફળી, કપાસ સહિતના પાકને મોટાપાયે નુકસાન થયું છે. મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના મોટા દહીંસરા ગામે પણ ખેડૂતોની સ્થિતિ દયનીય છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ગામમાં મગફળી અને કપાસના પાકમાં મોટાપાયે નુકસાન થયું છે. તૈયાર થઈ ગયેલો પાક નિષ્ફળ જતાં ખેડૂતોને આખું વર્ષ પાણીમાં ગયું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.માળિયા (મિયાણા) તાલુકાના મોટા દહીંસરા ગામના સરપંચ જશાભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ થતાં અમારા ગામમાં મગફળીનો પાક પાયમાલ થઈ ગયો છે. ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કપરી થઈ ગઈ છે. તેથી સરકાર તાત્કાલિક રાહત પેકેજ આપે તેવી તમામ ખેડૂતોની માગ છે.મોટા દહીંસરા ગામના પ્રભાતભાઈ મિયાત્રાએ જણાવ્યું હતું કે, સરકારને જો સેટેલાઈટથી અમારો પાક દેખાય તો જુએ.. અમારી મગફળી ઢોરને પણ ખવડાવવા લાયક રહી નથી. નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ કહેતા હતા કે પાક પલળી જાય તો પણ પાક વીમો આપવામાં આવશે. તો હાલ અમને પાક વીમો આપવામાં આવે તેવી સૌ ખેડૂતોની માગણી છે.માળિયા તાલુકાના મોટા દહીંસરાના અન્ય એક ખેડૂતે જણાવ્યું હતું કે, માવઠાના મારે બધા ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે. તેથી સરકાર પાસે અમારી માંગણી છે કે તાત્કાલિક સહાય આપવામાં આવે જેથી બધા ખેડૂતો આગામી સિઝનનું કામ શરૂ કરી શકે. સાથે જ મોરબી-માળિયાના ધારાસભ્ય અને હાલમાં જ મંત્રી બનેલા કાંતિભાઈ અમૃતિયા આ મુશ્કેલીના સમયમાં સંપર્ક થતો નથી. ફોન કરીએ તો ફોન પણ બંધ આવે છે.અન્ય એક ખેડૂતે જણાવ્યું હતું કે, મારી મગફળી સંપૂર્ણ નાશ પામી છે. ઢોરના ચારામાં પણ કામ આવે તેવી હાલતમાં મગફળી નથી. સરકાર જો ખેડૂતો સામે જુએ તો જ અમે બીજું વાવેતર કરી શકીએ તેમ છીએ.