મોડી રાતથી ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી : અગાઉ બે યુવાનોએ જે જગ્યાએ આપઘાત કર્યો તે જ જગ્યાએ વધુ એક બનાવમોરબી : મોરબીમાં ગત મોડી રાત્રે એક યુવકે પાડા પુલ ઉપરથી ઝંપલાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણ થતાં ફાયર વિભાગે ગત મોડી રાતથી જ યુવકની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાઘપરાના 30થી 35 વર્ષના એક યુવકે ગત રાત્રે 11 વાગ્યાના અરસામાં પાડા પુલ ઉપરથી ઝંપલાવ્યું હતું. પાડા પુલ ઉપરથી તેનું બાઇક પણ મળી આવ્યું છે. આ અંગે જાણ થતાં ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર રાતથી જ ફાયરની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી છે. જો કે સવાર સુધી હજુ યુવકનો કોઈ પતો મળ્યો નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ બે યુવાનોએ પણ આ જ જગ્યાએથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ બન્ને યુવાનોના મૃતદેહ 32 કલાક બાદ મળ્યા હતા.