મોરબી: મોરબી મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટકના કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 30,31 ઓક્ટોબર અને 1 નવેમ્બરના રોજ સવારે 10:30 થી સાંજે 05:00 વાગ્યા સુધી વિવિધ સ્થાને યોજાશે. તારીખ 30/10/2025, ગુરૂવારના રોજ મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-4 ની કચેરી (ત્રાજપર ગ્રામપંચાયત ઓફીસ) ખાતે તેમજ તારીખ 31/10/2025, શુક્રવારના રોજ મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-4 ની કચેરી (ભડિયાદ ગ્રામ પંચાયત ઓફીસ) ખાતે અને 01/11/2025, શનિવારના રોજ મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર નં-5 ની કચેરી (સો-ઓરડી બાલ મંદિર) ખાતે કેમ્પ યોજાશે. આ કેમ્પ મેળામાં જે લાભાર્થીઓની વાર્ષિક આવક રૂ. 3 લાખથી ઓછી છે, તેઓ નોંધણી કરાવી શકશે. ખાસ કરીને, જે લોકો પાસે શહેરી વિસ્તારમાં ખુલ્લો પ્લોટ છે અથવા જેનું મકાન કાચું, અર્ધકાયું કે જર્જરિત છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે. લાભાર્થીઓ જૂનું મકાન પાડીને સરકારના ધારા-ધોરણો અને ગાઈડલાઈન્સ મુજબના નવા આવાસ બાંધકામ માટેના 'ડિમાન્ડ સર્વે'માં પોતાની નોંધણી કરાવી શકશે. આ નોંધણી કરાવવી એ સહાય મેળવવાની પ્રક્રિયાનું પ્રથમ પગથિયું છે.પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 ના BLC ઘટક અંતર્ગત, નવા આવાસના બાંધકામ દીઠ કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા કુલ મળીને રૂ. 4,00,000 (રૂપિયા ચાર લાખ) ની માતબર સહાય મંજૂર કરવામાં આવશે. આ સહાયની રકમ લાભાર્થીને 4 (ચાર) હપ્તાઓમાં મળવાપાત્ર રહેશે, જે બાંધકામના વિવિધ તબક્કામાં ચૂકવવામાં આવશે. આર્થિક સહાયનો આ મોટો હિસ્સો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ગુણવત્તાયુક્ત આવાસ બનાવવામાં મોટી રાહત આપશે.