રાજ્યના 15 નાયબ કલેકટરની બદલી, 2 મામલતદારને પ્રમોશન મોરબી : રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ બાદ ફરી બદલી-બઢતીનો દૌર શરૂ થયો છે. જેમાં સરકારના મહેસુલ વિભાગે બુધવારે મોડી સાંજે રાજ્યના 15 નાયબ કલેકટરની બદલી કરવા આદેશ કરી 2 મામલતદારોને નાયબ કલેકટર તરીકે પ્રમોશન આપ્યા છે. સાથે જ અગાઉ જુલાઈ માસમાં ત્રણ નાયબ કલેકટરની બદલી કરવા કરેલા હુકમ રદ કર્યા છે. આ બદલી હુકમ અન્વયે મોરબી પ્રાંત અધિકારીની જૂનાગઢ બદલી કરવામાં આવી છે.રાજ્યના મહેસુલ વિભાગે બુધવારે સાંજે બઢતી -બદલી અંગેના હુકમ કર્યા હતા જેમાં 15 ડેપ્યુટી કલેકટરની અરસ પરસ બદલી કરવાની સાથે બે મામલતદારોને નાયબ કલેકટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અગાઉ જુલાઈ માસમાં ત્રણ નાયબ કલેકટરની બદલી કરવા હુકમ કર્યો હોય તે હુકમ મૂળ અસરથી રદ કરી ત્રણેય અધિકારીઓને મૂળ સ્થાને રાખવામાં આવ્યા છે. બદલી હુકમ અન્વયે મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમારની જૂનાગઢ સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. બીજીતરફ મોરબી ખાતે ગાંધીનગરથી પ્રવિણસિંહ જૈતાવતને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટના રશ્મિ જે.રાજવઢની મોરબી ખાતે નાયબ ચૂંટણી અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.