નુકસાનીનો સર્વે કરાવી સહાય આપવા મહેશ રાજકોટિયાની માગટંકારા : ટંકારા પંથકમાં ગઈકાલે બપોરથી શરૂ થયેલા માવઠાએ મોડી રાત સુધી મંડાણ કર્યું હતું. અણધાર્યા વરસાદે ખેતરોમાં તાંડવ મચાવ્યો છે. જેના કારણે પાકને ભારે નુકસાન થયું છે. મામલતદાર કચેરી ખાતે આવેલા ફલડ કંટ્રોલ રૂમ મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન કુલ દોઢ ઇંચ (36 એમએમ) વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. પાકના મોલાતનો સોથ વાળી દીધો છે, મોઢે આવેલ કોળીઓ છીનવાઈ ગયો છે. માલઠોર માટેનો ચારો ભીંજાઈને બગડી ગયો અને “સફેદ સોનું” ગણાતો કપાસ પણ કાળો થતો દેખાઈ રહ્યો છે.ખેડૂતોમાં ભારે કકળાટ જોવા મળી રહ્યો છે. નેસડાના ખેડૂત ભગવાનજીભાઈએ જણાવ્યું હતું કે, મહેનતનો પાક હવે પાણીમાં તણાઈ ગયો છે. ખેતરોમાં કાદવ અને સડી ગયેલા પાકને કારણે ફરી વાવણી કે કાપણી મુશ્કેલ બની છે. સ્થાનિક અગ્રણી મહેશ રાજકોટિયાએ જણાવ્યું છે કે, સરકાર તાત્કાલિક પાક વીમા સર્વે તથા સહાય યોજના શરૂ કરે જેથી નુકસાન પામેલા ખેડૂતોને રાહત મળી શકે.