પુત્રવધુને દીકરી માની તેનું આગળનું જીવન સુખમય રહે તે માટે સાસુ-સસરાએ પુનઃલગ્નનો નિર્ણય લઈ સમાજને નવી રાહ ચીંધીમોરબી: મોરબીના કાલરીયા પરિવારે પોતાના વ્હાલસોયા પુત્રના અકાળે અવસાન બાદ, પોતાની પુત્રવધૂને 'દીકરી' સમાન ગણીને તેના પુનઃલગ્ન કરાવીને સમાજમાં એક અનુકરણીય અને ક્રાંતિકારી પહેલ કરી છે. મૂળ ખાખરેચી ગામના વતની અને હાલ મોરબી સ્થિત કાલરીયા પરિવારે, પોતાના પુત્રના નિધનના ઊંડા દુઃખને દિલમાં રાખીને, પુત્રવધૂ હર્ષિતાને કન્યાદાન આપીને વિદાય આપી હતી.સાસુ-સસરા સહિત પરિવારજનોએ હર્ષિતાને પુત્રવધૂ કે વહુ તરીકે નહીં, પરંતુ પોતાની લાડકી દીકરી માની હતી. આ લાગણીના પરિણામે, તેમણે હર્ષિતા માટે એક સારા પાત્ર અને પરિવારની શોધ કરી, અને કરિયાવર, દાગીના સહિતની તમામ તૈયારીઓ સાથે પુત્રીની જેમ તેના પુનઃલગ્ન કરાવ્યા હતા. હર્ષિતાના પુનઃલગ્ન મૂળ દહીસરડા ગામના યુવક સાથે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કાલરીયા પરિવાર (નવું માવતર), અદેપર ગામનો હર્ષિતાનો મૂળ પરિવાર (માવતર), અને દહીસરડાનો નવો પરિવાર (સાસરિયું) - એમ ત્રણેય પરિવારો એકત્ર થયા હતા.આ પ્રસંગે, પાટીદાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ડો. મનુભાઈ કૈલા અને તેમની ટીમે હાજરી આપીને ત્રણેય પરિવારો અને નવદંપતીને અભિનંદન પાઠવ્યા હતા. ડો. કૈલાએ જણાવ્યું કે પાટીદાર સમાજમાં સમૂહ લગ્ન અને ઘડિયા લગ્ન બાદ આ વધુ એક ક્રાંતિકારી પહેલ છે, જે આવનારા સમયમાં સમગ્ર સમાજને એક નવી દિશા આપશે. હર્ષિતાની સાથે, તેના અકાળે અવસાન પામેલા પતિની પુત્રીને પણ નવા સાસરિયાં સાથે મોકલવા માટે સહર્ષ મંજૂરી આપવામાં આવી હતી. વિદાય સમયે, દીકરીએ પોતે મોટા થઈને IPS અધિકારી બનીને માતા-પિતા અને પરિવારનું નામ રોશન કરવાની મહેચ્છા વ્યક્ત કરી હતી, જેને સૌએ વધાવી લીધી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ આ પ્રસંગે રાજા રામ મોહન રાય દ્વારા શરૂ કરાયેલા વિધવા પુનઃલગ્નની વાત અને પાટીદાર સમાજના સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની આવી પ્રેરક પહેલોને યાદ કરીને આ ક્રાંતિકારી વિચારને બિરદાવ્યો હતો. સમગ્ર પ્રસંગમાં એક આંખમાં દીકરો ગુમાવ્યાનો રંજ અને બીજી આંખમાં પુત્રવધૂના નવા જીવનની ખુશીની લાગણીઓ વચ્ચે સૌએ નવદંપતીને સુખી અને આનંદમય જીવન માટે શુભેચ્છાઓ આપી હતી.