મોરબી: ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને ભાઈ-બહેનના અખંડ પ્રેમનું પ્રતીક સમા ભાઈબીજના પવિત્ર પ્રસંગની રાજકોટ સ્થિત ઉર્વશીબેન કિશનભાઈ ઠુમ્મર (રાજ બેંકવાળા) અને તેમના અમેરિકા કાયમી વસવાટ કરતા મોટાભાઈ સુમિતકુમારે અનોખી અને પ્રશંસનીય રીતે ઉજવણી કરી હતી.સામાન્ય રીતે ભાઈબીજે બહેન ભાઈને ઘરે જમવા બોલાવે છે. પરંતુ, સુમિતકુમારે અમેરિકાથી વોટ્સએપ કોલ દ્વારા પોતાની બહેન ઉર્વશીબેનને એવી મહેચ્છા વ્યક્ત કરી કે નાત-જાતના ભેદભાવ વગર ભૂખ્યા જનોની જઠરાગ્નિ તૃપ્ત કરાવીને આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે. ઉર્વશીબેને ભાઈની આ મહેચ્છાને સહર્ષ સ્વીકારી 'અન્નદાન સર્વોત્તમ દાન'ના સૂત્રને સાર્થક કરતા મોરબી સ્થિત જલારામ ધામમાં 'જ્યાં ટૂકડો ત્યાં હરિ ટૂકડો'ના સૂત્રને ચરિતાર્થ કરીને ભવ્ય ભોજન પ્રસાદનું આયોજન કર્યું હતું.આ સદકાર્ય દ્વારા ઉર્વશીબેનને ખરા અર્થમાં ભાઈને જમાડવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ યાદગાર પ્રસંગે ઠુમ્મર પરિવારના મોભી કિશનભાઈ, ખેતી વિકાસ બેંક મોરબીના ડીરેક્ટર અને 31 વર્ષ સુધી હરિહર અન્નક્ષેત્રમાં સેવા આપનાર કે.પી. ભાગીયા, ઉર્વશીબેનના માતૃશ્રી જયાબેન સહિત ડો. લહેરૂ, પ્રોફેસર જેતપરીયા, રાજુભાઈ, ધીરુભાઈ, કિશોરભાઈ, રાંકજાભાઈ, લખુભાઈ, અશોકભાઈ જેવા વરિષ્ઠ નાગરિકો પણ હાજર રહ્યા હતા.વધુમાં, પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કકકડ, ભાવેશભાઈ, ચિરાગ રાચ્છ સહિતનાઓએ હાજરી આપી હતી. ઠુમ્મર પરિવાર દ્વારા સમાજને નવી રાહ અને દિશા બતાવતી આ ઉજવણી બદલ મોરબી શહેરના 18 વર્ણના ભાઈઓ-બહેનોએ અભિનંદનનો ધોધ વરસાવ્યો હતો.