રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાનો નવો રાઉન્ડ શરૂ થશે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરતા હવામાન નિષ્ણાંત રમેશભાઈ બસિયાટંકારા : પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્રમાં હાલ ડિપ્રેશન સક્રિય છે, જ્યારે બંગાળની ખાડીમાં આજે નવું લો-પ્રેશર સિસ્ટમ બનશે. આ હવામાન પ્રણાલીઓના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 24 કલાકમાં આવતીકાલ સવાર સુધીમાં માવઠાની શરૂઆત થશે. ત્યારે આજે મોરબીમાં અમુક જગ્યાએ છુટા છવાયા ઝાપટા તથા આવતીકાલે જોરદાર ઝાપટા પડશે તેવી ટંકારાના નાના ખીજડિયાના હવામાન નિષ્ણાંત રમેશભાઈ બસિયાએ આગાહી કરી છે.વધુમાં તેઓએ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવતીકાલ સવાર સુધીમાં મધ્યમ વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં આજથી જ વરસાદની શરૂઆત થશે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવો-મધ્યમ વરસાદ થશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, મહુવા, સોમનાથ, કેશોદ, માંગરોળ, પાલીતાણા, જૂનાગઢ, વિસાવદર અને રાજકોટના અનેક તાલુકાઓમાં આવતીકાલ સવાર સુધીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક મર્યાદિત વિસ્તારોમાં જોરદાર ઝાપટાની શક્યતા છે. આવતીકાલથી રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં પણ માવઠાની અસર વધશે.