મોરબી: આજે તારીખ 25 ઓક્ટોબર 2025, શનિવારના રોજ વહેલી સવારે કચ્છથી મોરબી-રાજકોટ તરફના રસ્તે થઈ કતલખાના લઈ જવાતા 26 જીવોને ગૌરક્ષકોએ બચાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી-ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની અને ગૌરક્ષા કચ્છ તથા મોરબીના કાર્યકરોને ગુપ્ત માહિતી મળી હતી કે GJ 13 AX 6891 નંબરનો એક ટ્રક કચ્છ તરફથી માળિયા થઈને મોરબી-રાજકોટ માર્ગે 26 જેટલા પાડાઓને કતલ કરવાના ઈરાદે લઈ જઈ રહ્યો હતો. આ બાતમીના આધારે મોરબીના ગૌરક્ષકો વોચ ગોઠવી ટ્રક માળિયા બાજુથી મોરબી હાઇવે પર આવતા, તેને ભરતનગર નજીક પોલીસ પ્રશાસનના સહયોગથી રોકવામાં આવ્યો હતો. ટ્રકની તપાસ કરતા, તેમાં 26 ભેંસ વર્ગના પાડાના જીવોને ક્રૂરતાપૂર્વક, હલી-ચલી ન શકે તેવી રીતે બાંધેલા હતા. તેમને ઘાસ-પાણીની કોઈ સુવિધા પૂરી પાડવામાં આવી ન હતી.પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ જીવોને કચ્છ તરફથી ભરીને રાજકોટ હાજીના ત્યાં કતલ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. પોલીસ પ્રશાસનના સહયોગથી આ 26 જીવોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. કાયદેસરની કાર્યવાહી માટે આ જીવોને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન લઈ જઈને અંતે મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા.ગૌરક્ષકો દ્વારા ટ્રકના ચાલક અને અન્ય 2 આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યમાં મોરબી તાલુકા પોલીસ અધિકારીઓ તેમજ મોરબી, કચ્છ, વિરમગામ, લીંબડી, ચોટીલા અને રાજકોટના ગૌરક્ષક ટીમના સાથી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.