બન્ને યુવાનોની ઓળખ થઈ : મોરબી અને રાજકોટની ફાયર બ્રિગેડની ટિમ દ્વારા હજુ પણ બોટ સહિતના સાધનો વડે રેસ્ક્યુ ચાલુ : પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટમોરબી : મોરબીમાં મચ્છુ નદીના પાડા પુલ ઉપરથી આજે બપોરે બે યુવાનોએ ઝંપલાવ્યું હતું. ઘટનાને સાત કલાક વીતવા છતાં હજુ પણ બન્ને યુવાનોની ભાળ મળી નથી. હાલ ફાયરબ્રિગેડ દ્વારા પુરજોશમાં રેસ્ક્યુ ચલાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર તહેવારના દિવસો દરમિયાન આજે સવારે 3:30 વાગ્યાના અરસામાં મચ્છુ નદીના પાડા પુલ ઉપરથી બે યુવાનોએ ઝંપલાવ્યું હતું. આ બન્ને યુવાનોની ઓળખ થઈ ગઈ છે. એક યુવાનનું નામ હર્ષદ બળદેવ પારધી (ઉં.વ.20) રહે. વવાણીયા તથા બીજા યુવાનનું નામ અનિલ કનુભાઈ ભાંખોડીયા (ઉ.વ.27) રહે. વીસીપરા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ હાલ નદીમાં કાદવનું પ્રમાણ વધુ હોય તેઓ અંદર ખુચી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાને સાતેક કલાક જેટલો સમય વીત્યો છે. અત્યારે મોડી રાત સુધી ફાયરબ્રિગેડની ટિમો બોટ સહિતના સાધનો વડે યુવાનોને શોધી રહી છે. રાજકોટની ફાયર ટિમ પણ આ રેસ્ક્યુમાં જોડાઈ છે. છતાં પણ હજુ સુધી યુવાનોની કોઈ ભાળ મળી નથી. સિટી મામલતદાર અને જિલ્લા વહીવટી તંત્રનો સ્ટાફ પણ હાલ ઘટના સ્થળે છે. બી ડિવિઝન પોલીસની ટિમ પણ ઘટના સ્થળે હાજર છે. હાલ યુવાનોની શોધખોળ સાથે આ પગલું ભરવાનું કારણ શોધવા તપાસ ચલાવવામાં આવી રહી છે.