વાંકાનેર : વાંકાનેર શહેરમા કાળી ચૌદશની રાત્રીના સમયે ગ્રીનચોકમાં સાયકલ લઈને ફટાકડા લેવા જઈ રહેલા બે મિત્રોને એક્ટિવા ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે ઇજાગ્રસ્તના પિતાએ અકસ્માત સર્જી નાસી ગયેલા એક્ટિવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.અકસ્માતની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.19ના રોજ વાંકાનેર શહેરના સલોટ શેરી, ગ્રીનચોકમાં રહેતા અજીમ ઇરફાનભાઈ કાજી તેમજ તેનો મિત્ર સમીર ઇકબાલભાઈ કાબરા સાયકલ લઈ ફટાકડા લેવા જતા હતા ત્યારે જીજે - 36 - એક્યુ - 4650 નંબરના એક્ટિવા ચાલકે બન્નેને હડફેટે લઈ અકસ્માત સર્જતાં બન્ને મિત્રોને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી એક્ટિવા ચાલક નાસી જતા અજીમના પિતા ઇરફાનભાઈ અબ્દુલભાઇ કાજીએ એક્ટિવા ચાલક વિરુદ્ધ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.