મહાપાલિકા શહેરના રાણીબાગને ફરી હર્યોભર્યો બનાવશે: ગ્લો ગાર્ડનને સરકારની મંજૂરીમોરબી : મોરબી શહેરમાં હરવા-ફરવાના સ્થળોની કમી વચ્ચે મહાનગરપાલિકા દ્વારા નવા વર્ષમાં શહેરીજનોને અવનવી ભેટ આપવા તૈયારીઓ કરી લીધી છે. જેમાં શહેરના ખાખરેચી દરવાજા પાસે રાત્રે રંગબેરંગી રોશની સાથેનો ગ્લો ગાર્ડન વિકસાવવાની સરકારની મંજૂરી મળી જતા ટૂંક સમયમાં જ ગ્લો ગાર્ડન માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે. સાથે જ શહેરના મણીમંદિરને કાયમી ઝગમગતું રાખવા માટે પણ સરકારની મંજૂરી મળી ગઈ હોવાનું તેમજ મોરબીના લોકોની વર્ષો જૂની રાણીબાગને ફરી હર્યોભર્યો બનાવવાની માંગ પુરી કરવા મહાનગર પાલિકા અહીં ગાર્ડન વિકસાવનાર હોવાનું મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર કરાવામાં આવ્યું છે.નગરપાલિકાના શાસન દરમિયાન મોરબીનો અટકી પડેલો વિકાસ મહાનગર પાલિકાના શાસનમાં જેટગતિએ આગળ ધપી રહ્યો છે. સીરામીક ઉદ્યોગને કારણે વિશ્વફલક ઉપર અંકિત થયેલા મોરબી શહેરમાં ફરવા લાયક એકપણ સ્થળ ન હોવાનું મેણું મહાનગર પાલિકાએ દસ મહિનાના સમયગાળામાં જ ભાંગી નાખી શહેરના સરદારબાગનું નવીનીકરણ કરાવી હાલમાં કેસરબાગ, સુરજબાગનું રી-ડેવલોપમેન્ટ શરૂ કરાવ્યું છે. જેમાં હવે વધુ એક નહીં પરંતુ ત્રણ-ત્રણ સુવિધા મળવાની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ લોકોને નવા વર્ષની ભેટ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, શહેરના ખાખરેચી દરવાજા પાસે ગ્લો ગાર્ડન બનાવવામાં આવશે. ગ્લો ગાર્ડન માટે સરકારની મંજૂરી પણ મળી ગઈ હોવાનું તેમને જણાવ્યું હતું.દરમિયાન મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ ઉમેર્યું હતું કે, મોરબીની વિરાસત એવા મણીમંદિરને કાયમી રોશનીથી ઝળહળતું રાખવા માટેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને પણ સરકારે મંજૂરી આપી હોય ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રસિદ્ધ કરાશે. સાથે જ તેમને ઉમેર્યું હતું કે,મોરબી શહેરના મણિમંદિર આગળ રહેલા રાણીબાગને ડેવલોપ કરવા પ્રજાજનોની માંગ હતી જે પરિપૂર્ણ કરવા સરકારની મંજૂરી માંગવામાં આવતા સરકારની લીલીઝંડી મળી હોય રાણીબાગને ફરીથી લીલોછમ બનાવી મોરબીની સુંદરતામાં ઉમેરો કરવામાં આવશે. સાથે જ મોરબીનો રાજવી પરિવાર સાથે પણ આ મુદ્દે વાટાઘાટો થઇ ગઈ હોવાનું તેમને જણાવી પ્રજાહિતમાં રાજવી પરિવારની હકારાત્મક ભૂમિકાને વખાણી હતી.