ફાયર સ્ટેશન, નવા બસસ્ટેન્ડ અને મહારાણા પ્રતાપ સર્કલ પાસે ત્રણ ટીમો રહેશે તૈનાતલોકોને સાવચેતી દાખવવા ફાયર બ્રિગેડની અપીલમોરબી : સિરામિક નગરી મોરબીમાં નાગરિકો સલામત રીતે દિવાળીનો તહેવાર ઉજવી શકે તે માટે તેમજ આગના બનાવો બને તો ત્વરિત કાર્યાવાહી થઈ શકે તે માટે મોરબી મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડના 21 જવાનોની ટીમ ત્રણ અલગ અલગ સ્થળોએ ખડેપગે ફરજ બજાવશે. જેમાં ફાયર સ્ટેશન, નવા બસસ્ટેન્ડ તેમજ મહારાણા પ્રતાપ સર્કલ નજીક દિવાળીની સાંજથી જ જવાનો ફરજ ઉપર તૈનાત રહેશે અને સવાર સુધી ખડેપગે રહેશે.નગર પાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરનો વિસ્તાર વધી ગયો છે ત્યારે આ વર્ષ મોરબી ફાયર બ્રિગેડની જવાબદારી પણ વધી ગઈ છે. દિવાળીના સપરમાં દિવસોમાં ફટાકડા ફૂટવાને કારણે આગના બનાવો વધતા હોય છે. ત્યારે મહાનગર પાલિકાનો ફાયરબ્રિગેડ સ્ટાફ દિવાળીના તહેવારમા આગના બનાવોને પહોંચી વળવા સજ્જ બન્યા છે. ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફાયરના તમામ 21 જવાનોનો સ્ટાફ દિવાળીની સાંજથી જ ફરજ પર તૈનાત રહેશે. જેમાં મોરબી ફાયર સ્ટેશન ઉપરાંત નવા બસસ્ટેન્ડ અને મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક ટીમ તૈનાત રહેશે જે કોઈપણ સ્થિતિમાં ત્વરિત મદદ માટે દોડી જશે.છેલ્લા ચાર વર્ષથી ફાયરબ્રિગેડના જવાનો ઘેર દિવાળી નથી મનાવતામોરબી નગર પાલિકા સમયમાં ભરતી થયેલા ફાયરબ્રિગેડના તમામ 21 જવાનો છેલ્લા ચાર વર્ષથી પોતાના પરિવાર સાથે દિવાળી નથી મનાવતા. ચીફ ફાયર ઓફિસર જણાવે છે કે, લોકોની સેવા સુરક્ષા અમારા માટે મહત્વની છે. દિવાળીના તહેવારમાં આગના બનાવો બનતા હોય સાંજથી જ ફાયર જવાનો ડ્યુટી ઉપર હાજર થશે અને સવારે સલામત સ્થિતિ જોઈ ડ્યુટી ઓફ થશે. દેવેન્દ્રસિંહ જાડેજાએ લોકોને સાવધાની પૂર્વક ફટાકડા ફોડવા અપીલ કરી પોતાની સાથે અન્યોની માલ મિલકતની તકેદારી રાખી ફટાકડા ફોડવા અપીલ કરી હતી.મોરબીમાં દિવાળીએ આગના બનાવોમાં ઘટાડોમોરબી શહેરમાં પાછલા વર્ષોમાં દિવાળી પર્વે આગની ઘટનાઓમા ઘટાડો આવ્યો છે. ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહના જણાવ્યા મુજબ વર્ષ 2023મા દિવાળીના દિવસે આગના 26 બનાવ બન્યા હતા. જ્યારે વર્ષ 2024મા દિવાળીના દિવસે આગ લાગવાની 10 ઘટનાઓ બની હતી. તેમને ઉમેર્યું હતું કે,ફાયર બ્રિગેડ દ્વારા સતત જનજાગૃતિ માટે કાર્યક્રમ આપવામાં આવી રહ્યા હોવાથી લોકોમાં જાગૃતિ આવી છે પરિણામે આગના બનાવ ઘટયા છે.ફરવા જતા લોકોને કિંમતી સમાન ઘરમા ન રાખવા અને પોલીસ - પાડોશીને જાણ કરવા જિલ્લા પોલીસવડાની અપીલદિવાળીના તહેવારને લઈ મોરબી પોલીસ એક્શન મોડમાં છે. જિલ્લા પોલીસવડા મુકેશ પટેલે જણાવ્યું હતુ કે, તહેવાર પૂર્વે જ સઘન ફૂટ પેટ્રોલિંગ કરાયું છે. જેમાં ડ્રગ્સ અને હથિયારના કેસ કરાયા છે. સાથે જ લોકોને તહેવારના સમયમાં જ્યાં ત્યાં પાર્કિંગ ન કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત આઠ દિવસના મીની વેકેશનમાં બહારગામ ફરવા જતા લોકોને ખાસ અપીલ કરતા તેમને જણાવ્યું હતું કે, બહારગામ ખુશીથી ફરવા જાવ પરંતુ જતા પહેલા કિંમતી દાગીના રોકડ સલામત રીતે બેન્ક લોકરમાં મુકવા તેમજ નજીકના લાગુ પડતા પોલીસ મથકે તેમજ પાડોશીને પણ બહારગામ જતા હોવાનું જણાવવા અનુરોધ કર્યો હતો.