મોરબી : મોરબી જિલ્લામાં દિવાળી તહેવારની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો દિવાળી પર્વની પરિવાર સાથે ઉજવણી કરી રહ્યા છે. દિવાળીના તહેવારમાં ધનતેરસ અને દિવાળીના દિવસ વચ્ચેનો દિવસ એટલે કાળી ચૌદસ. આજે તારીખ 19 ઓક્ટોબરના રોજ નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદસ છે. એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાના કાલી સ્વરૂપની ઉત્પતિ આ દિવસે થઈ હતી. તેથી આ દિવસે મા કાલીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે ચૌદસ તિથિ 19 ઓક્ટોબરના રોજ બપોરે 1:51 વાગ્યે શરૂ થશે અને 20 ઓક્ટોબરના રોજ બપોરે 3:44 વાગ્યે સમાપ્ત થશે. કેલેન્ડર મુજબ કાળી ચૌદસ 19 ઓક્ટોબર ને રવિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે અભ્યંગ સ્નાનનું શુભ મુહૂર્ત સવારે 4:56 થી 6:08 વાગ્યા સુધી રહેશે. 19 ઓક્ટોબરની રાત્રે 11: 41 થી રાત્રે 12:31 સુધી દીપદાન માટે શુભ મુહૂર્ત છે. આ દિવસે દીપદાન કરવાથી વ્યક્તિને નર્કના દુઃખમાંથી મુક્તિ મળે છે.કેવી રીતે કરશો પૂજા ?છોટી દિવાળી પર સૂર્યોદય સમયે તલના તેલથી સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મળે છે. આ દિવસે ભગવાન હનુમાન અને ભગવાન યમનું પણ પૂજન કરવામાં આવે છે. સવારે સ્નાન કર્યા પછી ચૌકી પર લાલ કપડું પાથરો. આ પછી તેના પર ભગવાન હનુમાનની મૂર્તિ સ્થાપિત કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ભગવાનને હલવો અર્પણ કરો. આ પછી ભગવાન કૃષ્ણની પૂજા કરો અને આરતી કરો. પછી રાત્રે ઘરની બહાર દક્ષિણ તરફ મુખ કરીને યમ દેવના નામે એક દીવો પ્રગટાવો.મહત્વ અને દંતકથાદંતકથા પ્રમાણે, નરકાસુર નામના રાક્ષસે બધા દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું. અલૌકિક શક્તિઓને લીધે તેની સાથે લડવું કોઈના વશમાં નહોતું. નરકાસુરનો ત્રાસ વધી ગયો. પછી બધા દેવો ભગવાન કૃષ્ણ પાસે પહોંચ્યા. બધા દેવતાઓની હાલત જોઈને શ્રી કૃષ્ણ તેમની મદદ કરવા તૈયાર થઈ ગયા. કારણ કે, નરકાસુરને શ્રાપ હતો કે, તે સ્ત્રીના હાથે મૃત્યુ પામશે. ત્યારે ચતુરાઈથી ભગવાન કૃષ્ણે પોતાની પત્નીની મદદથી કારતક માસમાં કૃષ્ણ પક્ષની 14મી તારીખે નરકાસુરનો વધ કર્યો. નરકાસુરના મૃત્યુ બાદ 16 હજાર બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી આ 16 હજાર બંધકો પટરાણી તરીકે ઓળખાવા લાગ્યા. નરકાસુરના મૃત્યુ પછી, લોકોએ કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે નરક ચતુર્દશીની ઉજવણી કરવાનું શરૂ કર્યું.મા દુર્ગાનાં બે સ્વરૂપો છેમા દુર્ગાના બે સ્વરૂપો છે જેમાં એક સૌમ્ય, ધીર અને ગંભીર જ્યારે બીજું રૌદ્ર સ્વરૂપ છે. મહાકાળી એ રૌદ્ર સ્વરૂપ છે. કાળી ચૌદસની દિવસે રાત્રે માતાજીની ઉપાસના કરવામાં આવે છે. દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટભાવોને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે. આજના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે, ગલીના નાકે વડા મૂકીને કકળાટ દૂર કરવાની વિધિ કરે છે. જેની પાછળ એવું કહેવાય છે કે પરિવારમાં જે કંકાસ કે કલેહ વ્યાપી ગયો હોય તે દૂર થાય અને કુટુંબમાં શાંતિ થાય. કેટલાંક લોકો જૂનાં માટલા અને ઝાડુ પણ ચાર રસ્તા પર મૂકી આવે છે.ગુજરાતનું એકમાત્ર મંદિર જ્યારે કાળી ચૌદસે પૂજા-અર્ચના થાય છેમહુડી ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં કાળી ચૌદસના દિવસે જ પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે જ પૂજા થતી હોવાના કારણે વિશેષ મહત્વ આપવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે ઘંટાકર્ણ મહાવીર મહુડી મંદિરનું વિશેષ મહત્વ હોય છે. જૈન સમુદાયના લોકો કાળી ચૌદસના દિવસે મોટી સંખ્યામાં દર્શન અને પૂજા અર્ચન માટે અહીં આવે છે. વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડતા હોય છે.(આ લેખ ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ અનુસાર લખવામાં આવ્યો છે)