મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ તથાસ્તુ સેનેટરી વેર કારખાનાની લેબર કોલોનીમાંથી અપહરણ થયેલી સગીરાને મોરબી તાલુકા પોલીસે કર્ણાટકમાંથી શોધી કાઢી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીને કર્ણાટક રાજ્યના મેંગલુરુ જિલ્લાના પનામ્બુર ખાતેથી ઝડપી પાડ્યો છે.બનાવની વિગત અનુસાર, તા. 28/08/2024ના રોજ તથાસ્તુ સેનેટરી વેરના લેબર ક્વાર્ટર્સમાં રહેતા સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી યુવક તેમની 15 વર્ષ, 1 માસ અને 10 દિવસની દીકરીને લગ્નની લાલચ આપી, લલચાવી-ફોસલાવીને અપહરણ કરીને ભગાડી ગયો હતો. જે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ટેક્નિકલ માહિતીના આધારે તપાસનો દોર કર્ણાટક સુધી લંબાવ્યો હતો. આખરે, પોલીસે કર્ણાટકના પનામ્બુર પોલીસ સ્ટેશનના સહયોગથી અપહૃત સગીરાને શોધી કાઢી હતી.પોલીસે સગીરાનું અપહરણ કરનાર આરોપી સુર્જીયો કાંત ઉર્ફે શિપુ નિમાયચંદ કર (ઉ.વ.30, મૂળ રહે. ઓરિસ્સા), જે તથાસ્તુ સેનેટરી વેરના લેબર ક્વાર્ટર્સમાં મજૂરી કરતો હતો, તેની તા. 19/10/2025 ના રોજ ધરપકડ કરી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે ચારેલ, પો.સ.ઇ. એ.બી. મિશ્રા સહિતના સ્ટાફ અને કર્ણાટકની પનામ્બુર પોલીસ રોકાયેલી હતી.