ભક્તિનગર 1 અને 2 સોસાયટીના રહીશો સફાઈ, રોડ, ગટર જેવી પ્રાથમિક સુવિધાને લઈ રસ્તા ઉપર ઉતર્યામોરબી : મોરબીમાં દિવાળીના તહેવાર ટાણે જ ફરી જન આંદોલન શરૂ થયું છે. આજે સવારે નાની વાવડી પાસે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે. પ્રાથમિક સુવિધાઓ ન મળવાની હૈયાવરાળ સાથે જ્યાં સુધી બાહેંધરી નહિ મળે ત્યાં સુધી રોડ ઉપરથી ન હટવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે..નાની વાવડી પાસે આવેલા ભક્તિનગર 1 અને 2ના સ્થાનિકોએ જણાવ્યું કે અહીં છેલ્લા 10 દિવસથી કોઈ કચરો લેવા જ આવ્યું નથી. આજુબાજુની સોસાયટીમાં કચરો લેવા જે આવે છે.તેને અમે કહ્યું તો તેઓએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી. કચરો સાફ તો અમે જાતે કરી નાખીએ મહાપાલિકા ખાલી કચરો અહીંથી લઈ જાય તો પણ ઘણું. અત્યારે દિવાળી ટાણે અમને હાલાકી પડી રહી છે. વધુમાં સ્થાનિકોએ જણાવ્યું કે આજુબાજુની બધી સોસાયટીમાં રોડ તથા પેવર બ્લોક નાખેલા છે. માત્ર અમારી બે સોસાયટી જ બાકાત રાખવામાં આવી છે. અહીં પાણી નિકાલની વ્યવસ્થા નથી. ગટર સતત ઉભરાઈ છે. અમે અનેકવાર ધારાસભ્ય તથા મહાપાલિકાને રજુઆત કરી છે. તેઓ તરફથી માત્ર વાયદાઓ જ મળ્યા છે. એટલે હવે નાછૂટકે અમારે આજે તહેવાર ઉપર જ ચક્કાજામ કરવાની ફરજ પડી છે. તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ આપવાની બાહેંધરી આપવામાં નહી આવે ત્યાં સુધી અમે આ ચક્કાજામ દૂર નહીં કરીએ.