ભક્તિનગર 1 અને 2 સોસાયટીના સફાઈ, રોડ, ગટર જેવા પ્રશ્નો ઉકેલવાની મહાપાલિકાના અધિકારીઓએ ખાતરી આપતા મામલો થાળે પડ્યો મોરબી : મોરબીમાં દિવાળીના તહેવાર ટાણે જ વાવડી ચોકડી પાસે સ્થાનિકોએ વિવિધ પ્રશ્ને ચક્કાજામ કર્યો હતો. પ્રાથમિક સુવિધાઓ ન મળવાની હૈયાવરાળ સાથે બે સોસાયટીના સ્થાનિકો રસ્તા ઉપર ઉતર્યા હતા. જો કે બાદમાં મહાપાલિકાના અધિકારીઓએ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા સ્થાનિકોએ ચક્કાજામ હટાવ્યો હતો. નાની વાવડી પાસે આવેલા ભક્તિનગર 1 અને 2ના સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસથી ત્યાં કોઈ કચરો લેવા જ આવ્યું નથી. જ્યારે આજુબાજુની સોસાયટીમાં કચરો લેવામાં આવે છે. આજુબાજુની બધી સોસાયટીમાં રોડ તથા પેવર બ્લોક નાખેલા છે. માત્ર આ બે સોસાયટી જ બાકાત રાખવામાં આવી છે. અહીં પાણી નિકાલની વ્યવસ્થા નથી. ગટર સતત ઉભરાઈ છે. આ મામલે અનેકવાર રજુઆત કરી છે. પણ કોઈ પરિણામ ન મળતા આજે ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામ સવારે 8:30 વાગ્યાથી શરૂ થયો હતો. જેને પગલે મહાપાલિકાના અધિકારીઓ તેમજ એ ડિવિઝન અને ટ્રાફિક પોલીસની ટિમો સ્થળ પર દોડી ગઈ હતી. બાદમાં મહાપાલિકાના અધિકારીઓએ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા અંદાજે 11:30 વાગ્યે ચક્કાજામ હટ્યો હતો. આમ આજે ત્રણેક કલાક ચક્કાજામ રહ્યો હતો.