આંદરણા નજીક અજાણી સ્ત્રીની લાશ મળી આવવાની ઘટનાનો ભેદ ઉકેલી નાખતી પોલીસજમ બનેલા જમાઈએ બે મિત્રો સાથે મળી ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશને કોથળામાં પેક કરી પેટ્રોલ છાંટી સળગાવી નાખીમોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર આંદરણા ગામ નજીક ખેતરના શેઢે અંદાજે 45થી 50 વર્ષની ઉંમરની અજાણી સ્ત્રીની સળગી ગયેલ હાલતમાં લાશ મળી આવવા પ્રકરણમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખી હત્યારાને દબોચી લીધો છે. આ ઘટનામાં જમાઈ જમ બન્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં પીપળી ખાતે રહેતા શખ્સના સાસુ તેની પત્ની સાથે નાની નાની બાબતમાં ઝઘડા કરતા હોય કંટાળી બે મિત્રો સાથે મળી પહેલા ગળે ટૂંપો આપી હત્યા કરી બાદમાં લાશને કોથળામાં પુરી લાશને પેટ્રોલ છાંટી સળગાવી નાખ્યાંનું આરોપીએ કબુલ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.13ના રોજ મોરબીના આંદરણા ગામ નજીક એક ખેતરના શેઢેથી અંદાજે 45થી 50 વર્ષની ઉંમરની અજાણી સ્ત્રીની સળગેલી હાલતમાં લાશ મળી આવતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ હરેશકુમાર તિવારી ફરિયાદી બન્યા હતા અને અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યા અંગે ગુન્હો નોંધ્યો હતો. આ કેસમાં મોરબી એલસીબીએ ઝુકાવી ટેક્નિકલ એનાલિસિસ કરવાની સાથે સ્થળ ઉપર સેલ આઇડી અને સીસીટીવીના આધારે તપાસ કરતા મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં પીપળી, શિવપાર્ક સોસાયટીમાં રહેતા આરોપી નાનેશ્વર પંડેરી પવાર ઉ.41 નામના શખ્સને દબોચી લેતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને મૃતક આરોપીની સાસુ હોવાનું તેમજ નાનેશ્વરીએ જ તેના બે મિત્ર સાથે મળી લાશ મળ્યાના આગલા દિવસે સાસુની હત્યા કરી લાશને સળગાવી નાખ્યાંનું ખુલ્યું હતું.એલસીબી પોલીસની પૂછતાછમાં આરોપીએ કબુલ્યું હતું કે, તે પોતાની સાસુ સાથે પીપળી ગામે શિવપાર્કમાં રહેતો હતો અને સાસુ પોતાની પત્ની સાથે નાની નાની બાબતોમાં ઝઘડા કરતા હોવાથી કંટાળી ગયો હતો. જેમાં નાનેશ્વરની પત્ની રવિવારે પોતાના મોટા પુત્ર સાથે બહારગામ જતા રાત્રીના સમયે નાનો પુત્ર અન્ય રૂમમાં સૂતો હતો ત્યારે ઊંઘમાં રહેલા સાસુને પોતાના મિત્ર રાહુલ ડામોર અને રાહુલના મિત્ર સાથે મળી ગળેટૂંપો આપી હત્યા કરી નાખી હતી. બાદમાં સાસુની લાશને કોથળામાં પુરી મોટર સાયકલ ઉપર આંદરણા નજીક પેટ્રોલ છાંટી સળગાવી નાખી હતી. આ બનાવમાં પોલીસે હત્યારા નાનેશ્વરને ઝડપી લઈ અન્ય બે આરોપીઓને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે. હાલમાં પોલીસે આરોપીનું 50 હજારનું બાઈક તેમજ મોબાઈલ કબ્જે કરી આરોપીને મોરબી તાલુકા પોલીસને સોંપી આપ્યો હતો.