દેવ દિવાળી સુધીમાં પાણીની સમસ્યા હલ નહીં થાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકીમોરબી : મોરબી શહેરમાં અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે. ત્યારે મોરબીના લીલાપર રોડ પર આવેલા રામકો બંગલોની પાછળ આવેલી નંદનવન સોસાયટીમાં પાણી બાબતે રહીશોએ મહાનગરપાલિકા ખાતે વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં રહીશો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને લેખિત રજૂઆત કરીને પાણી આપોના નારા લગાવ્યા હતા.હિરલબેન દલસાણીયાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ત્રણ વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ. છેલ્લા ત્રણ વર્ષથી સતત અમારે પાણીની સમસ્યા છે. કોઈ દિવસ અમે જોયું નથી કે મીઠું પાણી કેવું હોય છે. જો આગામી દિવસોમાં યોગ્ય રીતે પાણી આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.નવનીતભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી અમે લેખિતમાં અરજી આપીને રજૂઆત કરીએ છીએ. જેટલી અમે પૂનમ નહીં ભરી હોય તેટલા અમે અહીંયા ગુરુવાર ભર્યા છે. આટલી રજૂઆતો કર્યા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. છેલ્લા બે વર્ષથી અમે બોરના પાણી અથવા ટેન્કર મંગાવીને ચલાવીએ છીએ. મહાનગરપાલિકાનું પાણી ક્યારેક આવે છે અને તે પણ અમારે મોટરથી ખેંચીને લેવું પડે છે. સરકાર વિકાસ સપ્તાહ ઉજવે છે પરંતુ પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. જો મોરબીનો આવો વિકાસ હોય તો આ વિકાસ અમારે જોઈતો નથી. હાલ પાણી પુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે આજે સાંજે અમે તપાસ કરવા આવીશું અને 15 દિવસની અંદર સમસ્યાનું નિવારણ કરીશું. જો દેવદિવાળી સુધીમાં પાણીની સમસ્યાનું નિરાકણ નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે.