મોરબી : જ્યારે દિવાળી વેકેશનની ખુશીઓ આંગણે આવીને ઊભી છે, ત્યારે 'મેંગોપીપલ પરિવાર' દ્વારા શરૂ કરાયેલા 'પ્રોજેક્ટ મુસ્કાન'એ કરુણાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વેકેશન દરમિયાન પણ દીકરીઓને સ્વચ્છતા અને સ્વાસ્થ્યની તકલીફ ન પડે, તે સંવેદના સાથે ગોકુલનગર, લાઈન્સનગર અને વજેપરની શાળાઓની દરેક દીકરીઓને નિઃશુલ્ક મુસ્કાન મેજીક બોક્સ (સેનેટરી પેડ્સ)નું વિતરણ કરવામાં આવ્યું હતું.મેંગોપીપલ પરિવારની આ પહેલ છેલ્લા આઠ વર્ષથી અનેક જરૂરિયાતમંદ દીકરીઓનું સન્માન અને સ્વાસ્થ્ય જાળવી રહી છે. તેમનો ઉદ્દેશ માત્ર પેડ્સ વહેંચવાનો નથી, પણ દીકરીઓને માસિક ધર્મ વિશેની સાચી સમજણ અને નિઃસંકોચ વાતચીતનો માહોલ આપવાનો છે. આ પ્રેમભરી ભેટ મેળવીને દરેક દીકરીઓના ચહેરા પર જે આનંદ અને ખુશી છવાઈ ગઈ, તે દ્રશ્ય ખરેખર હૃદયસ્પર્શી હતું. વેકેશનની શરૂઆતમાં મળેલી આ 'ખાસ ગિફ્ટ મુસ્કાન મેજીક બોક્સ' તેમના ચહેરા પર એક મીઠી 'મુસ્કાન' લાવી દીધી.