ફટાકડામાં 20 અને કલરમાં 5 ટકા ભાવ વધારો : કપડા, મોબાઈલ, ઇલેક્ટ્રોનિકસ આઈટમ, સુશોભન સહિતની આઇટમોની ધૂમ ખરીદીમોરબી : સીરામીક નગરી મોરબીમાં દિવાળીની ખરીદીનો માહોલ પૂરબહારમાં જામ્યો છે. શહેરના નગર દરવાજા મુખ્ય માર્કેટ ઉપરાંત રવાપર રોડ, શનાળા રોડ, અયોધ્યાપુરી રોડ, તખ્તસિંહજી રોડ સહિતની માર્કેટમાં ગ્રાહકો સવારથી મોડીરાત્રી સુધી ખરીદી માટે ઉમટી રહયા હોય બજારમાં વેપારીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જો કે, ઓણસાલ ફટાકડાના ભાવમાં 20 ટકા અને રંગોળીના કલરના ભાવમાં 5 ટકાનો વધારો થયો છે. સાથે જ ફટાકડામાં બૉમ્બ જેવી આઇટમોની શોર્ટેજ પણ જોવા મળી રહી છે.આ વર્ષે ઓક્ટોબર માસના મધ્યભાગમાં દીપાવલી પર્વની શૃંખલા શરૂ થઇ છે. જો કે, શ્રમિકો, મધ્યમવર્ગને સારા બોનસની આશાએ બજારમાં અત્યારથી જ ચળકાટ જોવા મળી રહ્યો છે. મોરબીની બજારોમાં સવારથી મોડીરાત્રી સુધી ખરીદીનો માહોલ જામી રહ્યો છે જેમાં લોકો કપડાં, જૂતા, મોબાઈલ, ઘર સુશોભનની આઇટમો, પૂજા સામગ્રી, હાર, ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મુખવાસ સહિતની ધૂમ ખરીદી કરી રહ્યા છે. જો કે, આ વર્ષે ફટાકડાના ભાવમાં 20 ટકા જેટલો અને રંગોળીના કલરના ભાવને 5 ટકા જેટલી મોંઘવારી નદી ગઈ છે. હાલમાં મોરબી શહેરમાં નહેરૂગેઈટ મુખ્ય માર્કેટ ઉપરાંત નવા ડેલા રોડ, તખ્તસિંહજી રોડ, રવાપર રોડ, શનાળા રોડ અને અયોધ્યાપુરી રોડ તેમજ સામાકાંઠા વિસ્તારમાં પણ દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે.ફટાકડા લાયસન્સ માટે હજુ એક પણ મંજૂરી નથી અપાઈમોરબી શહેર તાલુકા વિસ્તારમાં ફટાકડાના પાંચ હોલસેલર અને 400 જેટલા રિટેઇલરો છે જેમાં આ વર્ષે મોરબી શહેર તાલુકા અને ટંકારા મળી હંગામી લાયસન્સ અંતે 65 તેમજ કાયમી લાયસન્સ રીન્યુ માટે 26 અરજીઓ આવી છે જેમાં હજુ સુધી એકપણ લાયસન્સ મંજુર કરાવમાં આવ્યું ન હોવાનું પ્રાંત અધિકારી સુશીલ પરમારે જણાવ્યું હતું. મોરબી શહેરમાં હંગામી લાયસન્સ માટે 36 અને કાયમી લાયસન્સ રીન્યુ માટે 18 અરજીઓ આવી છે. એ જ રીતે તાલુકામાં 28 અરજી હંગામી માટે તેમજ તાલુકામાં 6 અરજી કાયમી લાયસન્સ રીન્યુ માટે આવી છે. જેમાં પોલીસ, મામલતદાર અને ફાયરના અભીપ્રાય બાદ નિર્ણય લેવામાં આવશે.મોરબીમાં દિવાળીએ રૂ.50 કરોડના ફટાકડા ફૂટશેમોરબી શહેરના ફટાકડાના વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે 50 કરોડના ફટાકડા વેચાણનો અંદાજ છે. મોરબી શહેરમાં ફટાકડાની 1000થી વધુ વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં 12થી લઈ 1000 ધડાકા વાળા સ્કાય શોટ્સ, વિવિધ પ્રકારના રોકેટ, 200થી 500 ગ્રામના વિવિધ કલરના લાડવા, વિવિધ પ્રકારની ફુલઝર, તોપગન,પીકોક, મોટું પતલુ, બીએમડબ્લ્યુ, સાયરન ટોર્ચ, કલર ટોર્ચ અને અનાર સહિતની વિવિધ 1000 જેટલી આઇટમો ઉપલબ્ધ છે. ખાસ કરીને આ વર્ષ સુતળી બોમ્બની શોર્ટેજ હોવાનું અને 20 ટકા સુધી ભાવ વધારો આવ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.મહાનગર પાલિકા દ્વારા 10 સ્થળે રોશનીનો ઝગમગાટમોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ સૌપ્રથમ વખત મોટા શહેરોની જેમ મોરબી શહેરને પણ રોશનીથી ઝળહળા કરવામાં આવ્યું છે. મહાનગર પાલિકા દ્વારા મુખ્ય કચેરી અને ટાઉનહોલની રોશનીથી શણગારી ગાંધીચોક, બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ, છત્રપતિ શિવાજી સર્કલ, શનાળા બસસ્ટેન્ડ સર્કલને આકર્ષક લાઈટિંગથી શણગારી શહેરના મહેન્દ્ર ડ્રાઇવ રોડથી ગ્રીન ચોક, ગ્રીન ચોકથી નગર દરવાજા, ત્રાજપર બ્રિજ, ભક્તિનગર બ્રિજ અને આનંદનગર રોડને રોશનીથી ઝગમગતો કરવામાં આવ્યો છે.