1982માં માત્ર 20 વર્ષની યુવાન વયે મોરબી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખની જવાબદારી મળી, 1985માં માત્ર 23 વર્ષની વયે તેઓ મોરબી તાલુકા પંચાયતના સૌથી નાની વયના સભ્ય બન્યા : વાંચો તેમની આખી જર્નીમોરબી: ભારતીય જનતા પાર્ટીના નેતા અને મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ શિવલાલ અમૃતિયા (ઉં.વ. 60) જેઓ ખેતી, ઉદ્યોગ, શિક્ષણ અને લેન્ડ ડેવલપર્સના વ્યવસાય સાથે જોડાયેલા છે. આજે તેઓને મંત્રીપદ આપવાની જાહેરાત થઈ છે. ત્યારે તેઓની જાહેર કરાયેલી વિગતો અહીં રજૂ કરવામાં આવી છે.કાંતિલાલ અમૃતિયાએ માત્ર 12 વર્ષની બાલ્યકાળ અવસ્થામાં જ વતન જેતપર મચ્છુ મુકામે સંઘ શાખાનો પ્રારંભ કરાવ્યો હતો. તેઓ વર્ષ 1979માં મોરબીની જળ હોનારતમાં વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે રાહતકાર્યમાં જોડાયા હતા. તેમજ માત્ર 20 વર્ષની યુવાન વયે, વર્ષ 1982માં, તેમને મોરબી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખની જવાબદારી મળી હતી.માત્ર 23 વર્ષની વયે વર્ષ 1985માં તેઓ મોરબી તાલુકા પંચાયતના સૌથી નાની વયના સભ્ય બન્યા. ત્યારબાદ 1998માં પુનઃ વિધાનસભા ચૂંટણી જીતીને બીજી વખત પ્રતિનિધિત્વ કર્યું અને એ જ વર્ષમાં ગુજરાત રાજ્ય હાથશાળ વિકાસ નિગમના ચેરમેન તરીકે વરણી થઈ.આ ઉપરાંત 2002, 2007, 2012માં તેઓ 13-મોરબી માળીયા વિધાનસભા વિસ્તારમાંથી અનુક્રમે ત્રીજી, ચોથી અને સતત પાંચમી વખત વિજયી બન્યા હતા.વર્ષ 2010માં પાર્ટીના આદેશ અનુસાર મોરબી નગરપાલિકાના સદસ્ય બની માર્ગદર્શન પણ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલન સમયે માત્ર 3400 મતથી તેમનો પરાજય થયો હતો. નોંધનીય છે કે આંદોલનના એપી સેન્ટર ગણાતા મોરબીમાં પણ તેમની સામે એક પણ વખત થાળી વગાડીને કે અન્ય કોઈ રીતે વિરોધ થયો નહોતો.કાંતિલાલ અમૃતિયાએ અનેક કુદરતી આફતો અને સામાજિક કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવી છે. વર્ષ 1986, 1987 અને 1988ના ભયાનક દુષ્કાળમાં પશુધનને બચાવવા તથા આમ જનતાને રાહત આપવા કાર્યવાહી કરી હતી તો સાથે વર્ષ 1998ના ભયાનક વાવાઝોડા અને 2001ના મહાવિનાશકારી ભૂકંપમાં અસરગ્રસ્તોને સહાય, વળતર, પુનઃનિર્માણ અને ઉદ્યોગને બેઠા કરવા માટે સંપૂર્ણ પ્રયત્નો કર્યા હતા.કાંતિભાઈએ ભૂકંપની અસરમાંથી બેઠા થઈ ગયેલ મોરબીની પ્રજાના ખબર અંતર પૂછવા સતત 24 દિવસની અંદાજે 825 કિ.મી.ની પદયાત્રા કરી હતી. તેમજ મોરબીની વર્ષો જૂની પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી તરીકે 4200 જેટલી રઝળતી ગાયો અને ગૌવંશનો નિભાવ કરી રહ્યા છે. આ ઉપરાંત મોરબી વિસ્તારના 55 વર્ષથી વધુ વયના આશરે 10,000થી વધુ વડીલોને અક્ષરધામ, મહાત્મા મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની દર્શન-યાત્રા કરાવ્યા હતા. તેમજ અતિવૃષ્ટિમાં કેશ ડોલ્સ અને રાહત રસોડા ચાલુ કરાવ્યા હતા અને 200 જેટલી ક્રિકેટ ટીમોને સંપૂર્ણ કીટ આપી રમતગમતને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિવસ નિમિત્તે આયુષયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી દરમિયાન તેમણે જિલ્લાની તમામ હોસ્પિટલોમાં દવાઓ, આર્થિક સહાય અને ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. કોરોના દિવંગતોના મોક્ષાર્થે પ્રખર ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કર્યું હતું, જેમાં કોરોના દિવંગતોના 756 ફોટા રાખવામાં આવ્યા હતા. તેમની કામગીરી અંતર્ગત અગાઉ તેમને બે વખત બેસ્ટ એમએલએ ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યો છે. તાજેતરમાં કથા, સુખડી વિતરણ અને બ્લડ ડોનેશન કેમ્પના આયોજન બદલ તેમને ત્રણ વર્લ્ડ રેકોર્ડ પણ પ્રાપ્ત થયા છે.આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ તેમનું યોગદાન રહ્યું છે. તેમણે મોરબી જનરલ હોસ્પિટલની કાયાકલ્પ કરાવી, ડાયાલિસિસ સેન્ટર, ફિઝિયોથેરાપી સેન્ટર અને બ્લડ બેન્ક શરૂ કરાવી તેમજ દર્દીઓને પૌષ્ટિક આહાર અને અપ્રાપ્ય દવાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. તેમજ દિવ્યાંગતા નાબૂદી અભિયાન અંતર્ગત 1000થી વધુ પોલિયો દિવ્યાંગોને નારાયણ સેવા સંસ્થાન, ઉદયપુર મુકામે ઓપરેશન કરાવી તેમની દિવ્યાંગતા નાબૂદ થાય તે માટે આયોજન કર્યું. વર્ષ 2014માં ગુજરાતના તમામ જિલ્લા મથકે મેડિકલ કોલેજ બને તેવી રજૂઆત કરી અને સતત ફોલોઅપ લેતાં મોરબીમાં મેડિકલ કૉલેજ બનવાનું સપનું સાકાર બન્યું છે.કાંતિભાઈએ કોરોના સમયમાં લગ્નના પ્રસંગો સીમિત સંખ્યામાં થતા, તે ધ્યાનમાં લઈને તેમણે પોતાના ઉમા ટાઉનશિપ ખાતેના નિવાસ્થાને સર્વજ્ઞાતિય ઘડીયા લગ્નોનો પ્રારંભ કરાવ્યો, જેનો તમામ ખર્ચ તેઓ વહન કરે છે. અત્યાર સુધીમાં 19 જેટલા ઘડીયા લગ્નો સંપન્ન થયા છે.હાલમાં તેઓ મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ છે અને અગાઉ અખિલ ગુજરાત પોર્ટ કર્મચારી સંઘના પૂર્વ પ્રમુખ તથા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. તેમનું કાર્યાલય છેલ્લા 28 વર્ષથી સતત કાર્યરત છે.