પોલીસે એમડી ડ્રગ્સ સહિત રૂ.5.35 લાખનો મુદામાલ કબ્જે કર્યો : મુંબઈના સપ્લાયરનું નામ ખુલ્યું મોરબી : સીરામીક નગરી મોરબીમાં દેશી-વિદેશી દારૂના દુષણ સાથે લાંબા સમયથી યુવાનો ગાંજો અને ડ્રગ્સની લતે ચડયા હોવાની બાબતો અવાર નવાર ચર્ચાના એરણે ચડે છે ત્યારે ગઈકાલે સાંજે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સાવસર પ્લોટ વિસ્તારમાં કારમાં શંકાસ્પદ હાલતમાં બેઠેલા શખ્સને ઝડપી લઈ તલાસી લેતા યુવકના કબ્જામાથી 28.780 એમડી એટલે કે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતા ચોકી ઉઠેલી પોલીસે કાર, ડ્રગ્સ સહિત 5.35 લાખ રૂપિયાથી વધુનો મુદામાલ કબ્જે કરી યુવાનને દબોચી લઈ મુંબઈના સપ્લાયરનું નામ ખોલાવવામાં સફળતા મેળવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દિવાળીના તહેવારને અનુલક્ષીને પેટ્રોલિંગમાં હતી તે સમયે સાવસર પ્લોટમાં વેદાંત દાંતના દવાખાનાવાળી શેરીમાં જીજે -27-સી-1361 નંબરની કારમાં આરોપી યોગેશ રતિલાલભાઈ દસાડિયા ઉ.31 રહે. એપલ હાઈટ્સ, આસોપાલવ સોસાયટી, રવાપર ઘુનડા રોડ મૂળ રહે.જુના સાદુળકા વાળો શંકાસ્પદ હાલતમાં કારમાં બેઠો હોય યોગેશની તલાસી લેતા યોગેશના કબ્જામાથી અલગ -અલગ પ્લાસ્ટિકની ચાર કોથળીમાં સફેદ પાવડર જેવો પદાર્થ એમડી ડ્રગ્સ મળી આવતા આરોપીને હસ્તગત કરી પોલીસ મથકે લાવી એફએસએલ મારફતે ડ્રગ્સની તપાસ કરતા આરોપી યોગેશ પાસેથી ઝડપાયેલ સફેદ પાવડર મેફેડ્રોન હોવાનો જ રિપોર્ટ આવતા પોલીસે યોગેશ દસદિયા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.વધુમાં સીટી એ ડિવિઝન પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી યોગેશ દસાડિયાની પ્રાથમિક પૂછતાછ કરતા એમડી ડ્રગ્સનો આ જથ્થો મુંબઈ દહીસરમાં રહેતા આરોપી ચિરાગ પટેલ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે રૂપિયા 2,87,800ની કિંમતનું 28.780 મિલીગ્રામ એમડી ડ્રગ્સ, આરોપીના કબ્જામાંથી મળેલી 41,800ની રોકડ રકમ, રૂ.500ની કિંમતનો ઇલેક્ટ્રિક વજન કાટો તેમજ રૂ.5000ની કિંમતનો મોબાઈલ ફોન અને રૂપિયા બે લાખની કિંમતની વેન્ટો કાર કબ્જે કરી નશીલા કારોબારના આ ધંધામાં યોગેશ દસાડિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ તેમજ તપાસમાં જે ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ જો ગંભીર પ્રકારના કેસમાં આરોપી યોગેશની કરી પૂછપરછ કરશે તો યોગેશ પાસેથી કોણ-કોણ ડ્રગ્સ ખરીદતું હતું તે સહિતની બાબતો પરથી પરદો હટશે.