સાહેબ, લાઇટિંગના સુશોભનની બદલે આ ગટરનો પ્રશ્ન હલ કરી દયો તો પણ અમારી દિવાળી સુધરી જશે : વેપારીઓની તંત્રને દર્દભરી અપીલમોરબી : હાલ પ્રકાશનો ઉત્સવ દિવાળીના તહેવાર આડે ગણતરીના દિવસો રહ્યા છે. સાફસફાઈથી લઈ ખરીદી સુધીની તૈયારીઓ તેમજ સજાવટની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં દિવાળીની ખરીદી કરવા સમયે જ શહેરના હાર્દસમા નહેરુ ગેઇટ પાસે ગટરના પાણી ઉભરવાની સમસ્યા યથાવત છે. એક તરફ દિવાળીના તહેવારની તૈયારીના રૂપે સમગ્ર શહેરને રોશનીથી સજાવવામાં આવે છે. ત્યારે નેહરુગેઈટ પાસે ગટરનું પાણી ઉભરાતા ગંદકી જોવા મળે છે. તેમજ આ ગંદકીમાં લોકોને ખરીદી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ એક તરફ રોશની કરવામાં આવે છે અને બીજી તરફ ગંદકી જમા થાય છે ત્યારે આ રોશનીની નહિ પણ સાફસફાઈ થાય જેથી લોકો ખરીદી કરવામાં મુશ્કેલી ન પડે તેવી વેપારીઓની માંગ ઉઠવા પામી છે. તેમજ જો દિવાળીના તહેવાર સમયે ધંધો કરવાના દિવસો છે ત્યારે જ જો ગટરના પાણી રસ્તા પર ઉભરાઈ તો લોકો કેવી રીતે આવે તેવા પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે.