મોરબી: મોરબી મહાપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મોરબી શહેરને હરિયાળું બનાવવાના પ્રયાસો સતત જારી છે. હાલમાં, વિકાસ સપ્તાહના ભાગરૂપે ગાર્ડન શાખાએ શહેરના અનેક સ્થળોએ વૃક્ષારોપણ કર્યું છે. શહેરના મહત્વના સ્થળો જેવા કે મોહનબાગ ગાર્ડન, શનાળા તળાવ, ભડિયાદ ગામ, લીલાપર ગૌશાળા ફિલ્ટર પ્લાન્ટ અને અમરેલી ગામ જેવા મહત્વના સ્થળોએ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો હેતુ મોરબી શહેરમાં ગ્રીનરી વધારવાનો અને આ સ્થળો પર શુદ્ધ વાતાવરણ જાળવવાનો છે. મહાપાલિકાએ જણાવ્યું છે કે આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવશે, જેથી શહેરની ગ્રીન સ્પેસ જળવાઈ રહે તે મુજબનું આયોજન કરવામાં આવશે.