સસ્પેન્ડ થયા બાદ દોઢ વર્ષથી હેડક્વાટર્સમાં હાજર નહિ રહેતા પોલીસમેને અન્ય આરોપીની ભલામણ કરવા દંગલ મચાવ્યુંમોરબી : મોરબી શહેરના કંડલા બાયપાસ નજીક રહેતા સસ્પેન્ડ પોલીસ કર્મચારીએ ગઈકાલે રાત્રે અન્ય આરોપીની ભલામણ માટે દારૂના નશામાં સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ઘુસી જઈ ધમાલ કરી પોલીસ મથક માથે લેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગતરાત્રીના ઘુસી ગયેલા સસ્પેન્ડ પોલીસમેન એવા આરોપી ભરતભાઇ પરબતભાઇ મિયાત્રા ઉ.37 રહે.કંડલા બાયપાસ, ધર્મસૃષ્ટિ સોસાયટી વાળો ધસી આવ્યો હતો. વધુમાં દારૂના નશાની હાલતના ધસી આવેલ આરોપી ભરતભાઈએ અન્ય આરોપીની ભલામણ માટે એ ડિવિઝન પોલીસ મથક ગજાવી મૂકી ત્રાસદાયક કૃત્ય કરતા એ ડિવિઝન પોલીસે બીએનએસ કાયદાની કલમ તેમજ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.વધુમાં આરોપી ભરતભાઇ મિયાત્રાની સસ્પેન્ડ થયા બાદ ગાંધીનગર પોલીસ હેડક્વાટર્સમાં બદલી થઈ હોવા છતાં દોઢ વર્ષથી ગેરહાજર હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.