મોરબી: મોરબી મહાપાલિકા હંમેશા જાહેર જનતાની જરૂરિયાતો અને તહેવારોને અનુરૂપ આયોજનો કરવામાં અગ્રેસર રહી છે. આ દિવાળી પર્વ નિમિત્તે, શહેરના નાગરિકોમાં હર્ષ અને ઉત્સાહ જળવાઈ રહે તે હેતુથી, મહાપાલિકાની ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકર્ષક લાઈટિંગ ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો અને સર્કલો પર આકાશી લાઈટો અને અન્ય ડેકોરેશનથી શહેરને ઝગમગતું બનાવવામાં આવ્યું છે, જેણે તહેવારના માહોલને વધુ ઉમંગભર્યો બનાવ્યો છે.મુખ્ય લાઈટિંગ વિસ્તારોમાં મહાનગર પાલિકા મુખ્ય કચેરી અને ટાઉનહોલ, ગાંધી ચોક સર્કલ અને બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ, છત્રપતિ શિવાજી સર્કલ અને શનાળા બસ સ્ટેન્ડ સર્કલ પર ડેકોરેશન કરાયું છે તેમજ મહેન્દ્ર ડ્રાઈવ રોડ, ગ્રીન ચોક, નગર દરવાજા, માળિયા ફાટક બ્રિજ, ત્રાજપર બ્રિજ, ભક્તિનગર બ્રિજ અને આનંદ નગર રોડ સહિતના રસ્તાઓ સજાવાયા છે. આ તમામ સ્થળોએ રંગીન લાઈટો અને સુવ્યવસ્થિત ડેકોરેશનથી મોરબી શહેર દિવાળીના ઉજાસથી ચમકી રહ્યું છે. મહાપાલિકાએ નાગરિકો સલામત અને નિરાંતે તહેવારનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરી છે. આ સાથે મોરબી મહાપાલિકા દ્વારા શહેરના સૌ નાગરિકોને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.