સ્પર્ધામાં કુલ 40 વિદ્યાર્થીઓએ ગ્રુપ સ્વરૂપે ઉત્સાહભેર ભાગ લીધોમાળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલમાં આજ રોજ દિવાળી અને નૂતન વર્ષના પાવન અવસરને નિમિત્તે રંગોળી તથા મહેંદી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.માધ્યમિક તથા ઉચ્ચમાધ્યમિક વિભાગના કુલ 40 વિદ્યાર્થીઓએ ગ્રુપ સ્વરૂપે ભાગ લીધો, જેમાં વિવિધ વિષયો પર સુંદર રંગોળીઓ બનાવી. વિદ્યાર્થીઓએ હનુમાનજી મહારાજ, ફૂલો તથા દિવાનો ઉપયોગ કરીને “નૂતન વર્ષાભિનંદન” તથા “દિવાળી તહેવાર”નું મનોહર પ્રતિબિંબ રજૂ કર્યું.રંગોળીમાં પરંપરા, રંગોની સુમેળતા અને સર્જનાત્મકતાનો ઉત્તમ સમન્વય જોવા મળ્યો.તે જ રીતે મહેંદી સ્પર્ધામાં 10 બહેનોએ ભાગ લીધો, જેમણે અવનવી ડિઝાઇન બનાવી પોતાની કલાત્મક પ્રતિભા દર્શાવી.હાથે અંકિત મહેંદીના નમૂનાઓમાં ભારતીય સંસ્કૃતિ અને સૌંદર્યનો અહેસાસ થતો હતો. સ્પર્ધાના અંતે માધ્યમિક તથા ઉચ્ચમાધ્યમિક વિભાગમાં અલગ અલગ રીતે પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને આ દિવસને યાદગાર બનાવ્યો. દિવાળી વેકેશન પડવાનો છેલ્લો દિવસ હોવાથી વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો અને હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જ્યું. અંતમાં શાળાના આચાર્ય મેહુલભાઈ ભોરણિયાએ તમામ વિદ્યાર્થીઓને દીપાવલી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી, અને સૌને સદાચાર, સકારાત્મકતા તથા સર્જનાત્મકતાથી જીવન જીવવાની પ્રેરણા આપી.