હળવદ : હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ ઝાલાએ મામલતદારને લેખિત રજૂઆત કરીને ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદવા અથવા ભાવફેરના 1,35,000 રૂપિયા ખાતામાં સીધા જમા કરાવવા જણાવ્યું છે.હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે રજૂઆતમાં જણાવ્યું છે કે, સરકાર પોતાના મળતીયાઓને સાચવવા માટે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોને હેક્ટરદીઠ સહાય આપવાની યોજના લાગુ કરતી નથી. આ ઉપરાંત ગત વર્ષે સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળી ઓછા ભાવે વેચતાં સરકારને 32 રૂપિયા પ્રતિકિલોએ નુકસાન ભોગવવું પડ્યું હતું. જો આ નુકસાનીની રકમ ખેડૂતોને આપવામાં આવે તો 200 મણ ખરીદીના 1,28,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવી દેવા જોઈએ. આ ઉપરાંત રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂત પાસેથી 300 મણ મગફળી ખરીદી કરવામાં આવે. જો 300 મણથી ઓછી મગફળી ખરીદવી હોય તો તફાવતની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવી દેવી જોઈએ તેમ જણાવાયું છે.