મોરબી: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે સેવાઓને વધુ લોકાભિમુખ, પારદર્શી અને આધુનિક બનાવવાના ઉદ્દેશ્યથી 'સ્પેશિયલ કેમ્પેઇન 5.0' હેઠળ મોરબી અને હાપા રેલવે સ્ટેશનો પર 'અમૃત સંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અધિકારીઓએ મુસાફરો સાથે સીધો સંવાદ કરીને સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધાઓ અને તાજેતરના વિકાસ કાર્યોની માહિતી આપવામા આવી હતી. મુસાફરોએ 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ થયેલા સુધારાઓની પ્રશંસા કરી, જેમાં સુધારેલા પ્રતીક્ષા ખંડ(વેઇટિંગ રૂમ), આકર્ષક સ્ટેશન બિલ્ડિંગ, સ્વચ્છ શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા, દિવ્યાંગજનો માટેની સુવિધાઓ અને 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' સ્ટોલનો સમાવેશ થાય છે.સંવાદ દરમિયાન મુસાફરો પાસેથી સ્ટેશનની સુવિધાઓમાં વધુ સુધારા માટે મૂલ્યવાન સૂચનો પણ પ્રાપ્ત થયા હતા. અધિકારીઓએ મુસાફરોને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જવાબદાર નાગરિકતા પ્રત્યે જાગૃત કરીને રેલવેના વિકાસમાં સક્રિય ભાગીદારી માટે આહ્વાન કર્યું. આ 'અમૃત સંવાદ' કાર્યક્રમ મુસાફરો અને રેલવે પ્રશાસન વચ્ચે સહયોગ અને સંવાદને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે. જે ભવિષ્યમાં રેલવે સુવિધાઓને વધુ સુરક્ષિત સ્વચ્છ અને લોકાભિમુખ બનાવવામાં સહાયક થશે.