મોરબી: મોરબીની 30 વર્ષ જૂની ઓમશાંતિ વિદ્યાલય માત્ર શિક્ષણનું ધામ નહીં, પણ નિસ્વાર્થ ભાવના અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી સંસ્થા છે. આ શાળામાં હાલમાં 45 અનાથ બાળાઓ સહિત લગભગ 100થી વધુ વિદ્યાર્થીઓ ફી માફી સાથે અભ્યાસ કરી રહ્યા છે, જે એક સેલ્ફ-ફાઈનાન્સ શાળા માટે કદાચ સમગ્ર ગુજરાતમાં અજોડ ઉદાહરણ છે.શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ટી.ડી. પટેલ જરૂરિયાતમંદ વાલીઓને 50% સુધીની ફી માફી આપે છે. જોકે, ઘણી વખત સમસ્યા એવા સ્વાભિમાની પરિવારો માટે ઊભી થાય છે, જેઓ આર્થિક મુશ્કેલી હોવા છતાં મદદ માટે હાથ લંબાવી શકતા નથી. આવા કિસ્સાઓમાં, શાળાના ઉત્સાહી શિક્ષક મીરાણીસર મદદે આવે છે. તેઓ ઓમશાંતિ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓની 100% ફી ભરાવી આપે છે. મીરાણીસરના આ નિસ્વાર્થ કાર્યની નોંધ ઈશ્વરે પણ લીધી હોય તેમ તેમની પુત્રી CA બની ચૂકી છે અને પુત્ર પણ ભવિષ્યમાં CA બનવા જઈ રહ્યો છે.તાજેતરમાં, શાળાના બે વિદ્યાર્થીઓની ફી વારંવાર સૂચના આપવા છતાં ભરાતી ન હતી. વાલીઓ સ્વમાની હોવાથી કોઈની પાસે મદદ માંગવા કે હાથ લંબાવવા તૈયાર નહોતા. આ પરિસ્થિતિની જાણ મીરાણીસરે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મોરબી શહેરના સફળ ઉદ્યોગપતિ મનીષભાઈ ગડારાને કરી.માત્ર એક ફોન કોલ પર જાણ થતાં, મનીષભાઈ ગડારાએ તત્કાળ બન્ને વિદ્યાર્થીઓની આખા વર્ષની ફી ભરી આપી. આનાથી પણ આગળ વધીને, મનીષભાઈએ વિદ્યાર્થીઓના વાલીઓને રૂબરૂ મળીને ખાતરી આપી કે: 'જ્યાં સુધી ભણે ત્યાં સુધી તેમની ફી અંગે ચિંતા ન કરશો, હું તમામ ફી ભરી આપીશ.'મનીષભાઈએ માત્ર ફી ભરીને જ સંતોષ ન માન્યો, પરંતુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ જોગવાઈ કરી. વિદ્યાર્થીઓના નામનો વીમો ઉતારી આપ્યો, જેથી ભવિષ્યમાં 20 લાખ જેવી રકમ તેમને મળી શકે. અંગ્રેજી ભાષા શીખવા માટે ટ્યુશનની વ્યવસ્થા કરી આપી. મનીષભાઈના આ કાર્યથી વાલીઓ સંપૂર્ણપણે ચિંતામુક્ત થઈ ગયા. મનીષભાઈ જ્યારે રૂબરૂ શાળામાં આવીને આ વાત કરી, ત્યારે આ સંવાદ કરનાર વ્યક્તિને શ્રીકૃષ્ણને મળીને સુદામાને જેટલો આનંદ થયો તેટલો આનંદ મનીષને મળીને થયો.મનીષભાઈ ગડારાએ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જાળવી, બીજાને મદદરૂપ બનવાની અને પોતાની પાસે જે છે તે વહેંચવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમનું આ કાર્ય આજના યુવાનો માટે શ્રદ્ધામાં વધારો કરે તેવું પ્રેરણાદાયી છે. આ પ્રસંગે એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે લાખોનું દાન કરતા લોકોએ માત્ર ફીના અભાવે અભ્યાસથી વંચિત રહેતા જરૂરિયાતમંદ લોકો તરફ એક નજર નાખવાની જરૂર છે.