નાલાનું કામ 20 દિવસમાં તથા બાજુના રોડનું કામ 2 દિવસમાં શરૂ કરી દેવાની ખાતરી મળી : સ્થાનિકોમોરબી : મોરબીમાં દલવાડી સર્કલ ખાતે ખરાબ રોડ અને તૂટેલા નાલાના પ્રશ્નને લઈને આજુબાજુની સોસાયટીના રહીશોએ ચક્કાજામ કર્યો હતો. કલાકો સુધી ચક્કાજામ બાદ અધિકારીઓએ બાહેંધરી આપતા ચક્કાજામ હટ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બાયપાસ હાઇવે પર દલવાડી સર્કલ પાસે રોડ રસ્તાની હાલત બિસ્માર હોય તેમજ અહીંનું એક નાલું તૂટેલી હાલતમાં હતું. જે અંગે સ્થાનિકોએ અનેકવાર તંત્રને રજુઆત કરી હતી. તેમ છતાં પણ કોઈ પરિણામ ન મળતા રોષે ભરાયેલા સ્થાનિકોએ આજે દલવાડી સર્કલ ખાતે ચક્કાજામ કર્યો હતો. બાદમાં અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઇ સ્થાનિકોને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પણ સ્થાનિકો પોતાની માંગને લઈને અડગ જોવા મળ્યા હતા. અંતે અધિકારીઓએ 20 દિવસમાં નાલું અને 2 દિવસમાં તેની બાજુના રોડનું કામ શરૂ કરવાની ખાતરી આપતા સ્થાનિકોએ ચક્કાજામ હટાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે એ ડિવિઝનના 3 પીએસઆઈ અને 50 જેટલો સ્ટાફ તથા ટ્રાફિકના 2 પીએસઆઈ તથા 20 જેટલો સ્ટાફ ટ્રાફિક ક્લિયર કરાવવાના કામે લાગ્યો હતો. અંદાજે એક કલાકની જહેમત બાદ આ ટ્રાફિક ક્લિયર થયું છે.