મોરબી: મોરબીના ઘૂંટુ ગામ ખાતે એક માતાને અચાનક ડિલિવરીનો દુખાવો ઉપડતાં 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતાની સાથે જ ટૂંકા સમયમાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં 108માં જ સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી.માતાને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં EMT રાહુલ ચૌધરી અને પાયલોટ બ્રિજરાજસિંહ જાડેજાને લાગ્યું કે ડિલિવરીની સંભાવના છે અને હોસ્પિટલ દૂર છે. આથી, તેમણે સુરક્ષિત સ્થળે એમ્બ્યુલન્સ ઊભી રાખી ડિલિવરી માટે તૈયારી કરી. આ દરમિયાન તેમને જણાયું કે આ કેસ 'બ્રિચ પ્રેઝન્ટેશન' (ગર્ભમાં બાળક ફરી જવું) નો હતો, જે એક અત્યંત ગંભીર પરિસ્થિતિ ગણાય છે.આવી ક્રિટિકલ પરિસ્થિતિમાં પણ EMT રાહુલ ચૌધરી અને પાયલોટ બ્રિજરાજસિંહ જાડેજાએ સમયસૂચકતા અને કૌશલ્યનો પરિચય આપીને માતાની નોર્મલ ડિલિવરી સફળતાપૂર્વક કરાવી હતી. તેમના આ પ્રયાસથી બાળક અને માતા બંનેના જીવ સુરક્ષિત રહ્યા હતા. EMRI પરિવારે તેમની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ બંને મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. 108 એમ્બ્યુલન્સ સર્વિસ ફરી એકવાર લોકો માટે 'દેવદૂત' સાબિત થઈ છે. તેમ યાદીમાં જણાવાયું છે.