ડિપ્રેશન અને અનિંદ્રાના સૌથી વધુ દર્દીઓ, મોબાઈલનું વળગણ પણ એક માનસિક રોગમોરબી : વિશ્વમાં આજના ઝડપી યુગમાં શારીરિક બીમારીઓની તુલનાએ માનસિક બીમારીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા વર્ષ 1992થી આજે 10મી ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવી વૈશ્વિક માનસિક સ્વાસ્થ્ય શિક્ષણ, સામાજિક કલંક સામે જાગૃતિ અને હિમાયત માટે કામગીરી કરવામાં આવે છે. વિશ્વ માનસિક દિવસે મોરબી માટે પણ માનસિક બીમારી ચિંતાજનક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. સીરામીક નગરી મોરબીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દૈનિક 150 જેટલા દર્દીઓ માનસિક બીમારીની સારવાર માટે આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને અનિંદ્રા, ડિપ્રેશન અને વ્યસન સંબંધી બીમારીઓ મોરબી જિલ્લામાં વધુ જોવા મળી રહી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, માનસિક બીમારી 20થી 50 વર્ષની વયજૂથમાં વધુ છે.પ્રતિવર્ષ સમગ્ર વિશ્વમાં 10મી ઓક્ટોબરના દિવસને વિશ્વ માનસિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સીરામીક નગરી મોરબી માટે માનસિક બીમારી ઉપાધિજનક હોવાના આંકડા સામે આવ્યા છે. મોરબી ખાતે સરકારી હોસ્પિટલ ઉપરાંત ત્રણ ખાનગી હોસ્પિટલ માનસિક બીમારીની સારવાર આપે છે જેમાં એક અંદાજ મુજબ મોરબી સિવિલમાં દૈનિક 50 જેટલા દર્દીઓ અને ત્રણ ખાનગી હોસ્પિટલમાં દરરોજ 100 જેટલા દર્દીઓ વિવિધ માનસિક બીમારીની સારવાર માટે આવી રહ્યા હોવાનું તબીબી આલમ જણાવી રહ્યો છે. ઉદ્યોગનગરી મોરબીમાં સૌથી વધુ ચિંતા ડિપ્રેશન, ટેંશન, અનિંદ્રાના કેસ યુવાવર્ગમાં જોવા મળી રહ્યા છે. સાથે જ વડીલોમાં સ્મૃતિભંગ, અનિંદ્રા અને વ્યસન સહિતની બાબતોને લઈ દર્દીઓ સારવાર માટે આવતા હોવાનું તબીબો જણાવી રહયા છે.આપઘાત કરવાના વિચાર પણ એક બીમારી : ડો.ભવ્ય ભાલોડિયામોરબીમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રેકટીસ કરતા ડો.ભવ્ય ભાલોડીયા કહે છે કે, આજના સમયમાં માનસિક બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને મોરબી જિલ્લામાં દૈનિક સરેરાશ ત્રણથી ચાર આપઘાતના બનાવ બની રહ્યા છે ત્યારે ડો.ભવ્ય ભાલોડિયાએ ઉમેર્યું હતું કે, આપઘાતના વિચાર આવવા એ પણ એક બીમારી જ છે. સાથે જ આપઘાત કરનાર વ્યક્તિ આપઘાતનું પગલું ભરતા પહેલા તેઓ અંતિમ પગલું ભરી લેનાર હોવાના સંકેત પણ આપી દેતા હોવાનું જણાવી ઉમેરે છે કે, સમયસર સારવાર આપવામાં આવે તો લોકોને આપઘાત કરતા બચાવી શકાય છે. મોરબીમાં વિશેષતઃ અનિંદ્રા, ડિપ્રેશન, ચિંતા, માઈગ્રેન, અલ્જાઈમર, દારૂ-તંબાકુના વ્યસન સહિતની બીમારીઓના દર્દીઓ રૂટિન ઓપીડીમાં આવતા હોવાનું તેમને જણાવ્યું હતું.યુવાવર્ગમાં માનસિક બીમારીનું ચિંતાજનક પ્રમાણ : ડો. હિતેશ ભદ્રામોરબી સિવિલ હોપિસ્ટલના મનોચિકિત્સક ડો.હિતેશ ભદ્રાએ જણાવ્યું હતું કે, મોરબી સિવિલમાં દરરોજ સરેરાશ 50 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે જેમાં 70 ટકા પેશન્ટ યુવા અને 30 ટકા પેશન્ટ આધેડ કે વૃદ્ધ હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, લોકો નાની નાની બાબતોમાં ચિંતા કરી માનસિક રોગના શિકાર બનતા હોવાનું દર્દીની હિસ્ટ્રીમાં જોવા મળે છે. સાથે જ ડિપ્રેશન તેમજ સીઝો માનસિક બીમારીના પણ મોટા પ્રમાણમાં કેસ આવતા હોવાનું તેમને જણાવ્યું હતું. મોરબી સિવિલમાં હાલમાં માનસિક સારવાર વિભાગમાં પૂરતો સ્ટાફ હોવાથી દર્દીઓ માટે નિયમિત ઓપીડી અને ઇન્ડોર પેશન્ટને પણ સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત સમયાંતરે તબીબી ટીમો દ્વારા સંસ્થાઓ તેમજ બાળસુધાર ગૃહ સહિતના સ્થળોએ સારવાર માટે વિઝીટ કરવામાં આવતી હોવાનું તેમને જણાવ્યું હતું.મોબાઈલ એડિક્શન બાળકો-યુવાઓ માટે ચિંતાજનક બીમારીમોબાઈલ ઈન્ટરનેટના આજના જમાનામાં દરેક ઘરમાં મોબાઈલ એડિક્શન નામની ગંભીર બીમારી ઘર કરી ગઈ હોવાનું જણાવી ડો.ભવ્ય ભાલોડીયાએ જણાવ્યું હતું કે, મોબાઈલ એડિક્શન ભલે સામાન્ય લાગે પણ એક ગંભીર બીમારી છે. જો કે, ઘેર ઘેર આવા દર્દીઓ હોવા છતાં પણ જયારે બાળકની અભ્યાસમાં રુચિ ઘટે, પરિણામ નબળા આવે કે બાળકો યુવાઓના વર્તનમાં ફેરફાર થાય ત્યારે જ પરિવારના સભ્યો મોબાઈલ એડિક્ટને સારવારમાં લાવતા હોવાનું તેમને જણાવ્યું હતું.