બે મકાનોમાંથી રૂ.83 હજારની રોકડની ચોરી, મંદિરોની દાનપેટીમાંથી પણ પરચુરણ રકમ લઈ ગયા : એક બાઇકની પણ ચોરીમોરબી : માળિયા મિયાણાના વેજલપર ગામમાં ગત રાત્રીના તસ્કરોએ તરખાટ મચાવી એક સાથે અનેક જગ્યાને નિશાન બનાવી છે. જેમાં 3 મકાનો અને 2 મંદિરોમાં ચોરી કરી છે. સાથે એક બાઇકની પણ ઉઠાંતરી કરી હોવાનું સામે આવ્યું છે. આ અંગે વિગતો આપતા ગામના સરપંચ હરેશભાઇ કૈલાએ જણાવ્યું હતું કે ત્રણ મકાન અને બે મંદિરમાં ચોરી થઈ છે. આ ત્રણ મકાન આમ બંધ હાલતમાં હતા. માત્ર ખેતીના કામે જ ઘરધણી અહીં ક્યારેક રોકાવા આવતા હતા. જેમાં ધર્મેશભાઈ ચંદુલાલ કૈલાના મકાનમાંથી રૂ. 45 હજારની રોકડ, કિશોરભાઈ અંબારામ ભોરણીયાના મકાનમાંથી રૂ. 38 હજારની રોકડની ચોરી થઈ છે. જ્યારે વિનુભાઈ વિડજાના મકાનમાં ચોરી થઈ હતી પણ ચોરોને કઈ હાથ લાગ્યું ન હતું. આ ઉપરાંત દેવજીભાઈ સુરાભાઈ ગોલતરનું બાઇક ચોરી થઈ ગયું છે. વધુમાં તસ્કરોએ મંદિરોને પણ બાકી રાખ્યા ન હતા. ગામના બે મંદિરોમાં દાનપેટી તોડી તેમાં રહેલી છૂટક રકમ પણ ચોરી કરી ગયા છે.