મોરબી: આજે તા. 10/10/2028 ને શુક્રવારના રોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પ્રાણજીવનભાઈ ધનજીભાઈ કાંજીયા (પી.ડી. કાંજીયા)નો જન્મદિવસ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.ડી. કાંજીયાએ પોતાનો જન્મદિવસ સમાજસેવા, રાષ્ટ્રસેવા અને ધર્મભક્તિના સ્વરૂપે સરાહનીય કાર્યો કરીને ઉજવ્યો હતો.પી.ડી. કાંજીયાએ આ જન્મદિવસ નિમિત્તે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના 350 જેટલા સ્ટાફ મિત્રો તંદુરસ્ત રહે તેવો સંકલ્પ કર્યો. આ સંકલ્પના ભાગરૂપે તેમણે સ્ટાફનું ફુલ બોડી ચેકઅપ રાજકોટની મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કરાવ્યું હતું, જેથી દરેક કર્મચારીને તેમના સ્વાસ્થ્યનો રિપોર્ટ મળે અને તેઓ તંદુરસ્ત રહી શકે. અગાઉ પણ તેઓ સ્ટાફના જીવન વિકાસ માટે સેમિનાર, સરકારી નોકરી માટેના પ્રયત્નો, વખતોવખત જમણવાર, તંદુરસ્તી માટે દિવાળીએ ડ્રાયફ્રૂટ્સ/મીઠાઈ અને બોનસ આપવા જેવા અનેક કાર્યો તેઓ કરતા આવ્યા છે.પી.ડી. કાંજીયાના સેવાકાર્યોની યાદી ઘણી લાંબી છે. અગાઉ તેમણે 'યત્ર નાર્યેસ્તુ પૂજ્યન્તે' પંક્તિને સાર્થક કરીને બાલઆશ્રમની બાળાઓને બે વખત દત્તક લઈ, નાનપણથી લગ્ન થાય ત્યાં સુધીનો શિક્ષણ, કપડાં અને પુસ્તકો સહિતનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. એક જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમ અને બાલાશ્રમના પરિવારોને નવયુગ કેમ્પસમાં ગરબા રમાડી, જમાડી અને ગિફ્ટ આપીને કરી હતી.વળી, 10 વર્ષથી તેઓ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ GIDC થી ચિત્રકૂટ ચોક, નવયુગ વિદ્યાલય સુધીનો વિસ્તાર અને નવયુગ કરીઅર અકાદમી રવાપર વિસ્તારને સતત સ્વચ્છ રાખવાનો સંકલ્પ નિભાવી રહ્યા છે.પી.ડી. કાંજીયાની આવી વિચારધારાને તેમના પત્ની અને નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયાએ પણ સાર્થક કરી છે. તેમણે પોતાના જન્મદિવસના સંકલ્પ રૂપે બિનશૈક્ષણિક સ્ટાફ અને વર્ગ-4 ના 85 જેટલા કર્મચારીઓ માટે વેકેશનમાં 12 દિવસની તમામ ખર્ચ સાથેની તીર્થધામ યાત્રાનું આયોજન કર્યું હતું. આ પહેલા પણ તેઓ બે વાર હરિદ્વાર અને દ્વારકાની યાત્રા કરાવી ચૂક્યા છે. નવયુગ પરિવાર વતી પી.ડી. કાંજીયા અને રંજનબેનના આવા પ્રશંસનીય અને પ્રેરણારૂપ કાર્યો બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી છે અને તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.