પીજીવીસીએલની ટિમ પોલીસ સાથે ટીસી નાંખવા આવી, સ્થાનિકો ટસના મસ ન થતા અંતે પરત ફરવું પડ્યુંમોરબી : મોરબીની વિજયનગર સોસાયટીમાં ટીસી નાખવા સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પીજીવીસીએલની ટિમ પોલીસને સાથે લઈ ટીસી નાખવા આવી હતી. જો કે સ્થાનિકો ટસના મસ ન થતા પીજીવીસીએલની ટીમને પરત ફરવું પડ્યું હતું. આ મામલે વિગતો આપતા વિજયનગરના સ્થાનિક હિરેનભાઈ બારૈયાએ જણાવ્યું કે તેમની સોસાયટી કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલી છે. તેમની સોસાયટીની બાજુમાં ધર્મવિજય સોસાયટી નવી બની છે. આ નવી સોસાયટીનું ટીસી ત્યાં નાખવા સામે ત્યાંના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેથી પીજીવીસીએલ દ્વારા આ ટીસી અમારી સોસાયટીમાં નાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. અગાઉ પણ વીજ તંત્રની ટિમો આવી હતી. ત્યારે સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે આજે વીજ તંત્રની ટિમ પોલીસને સાથે લઈને આવી હતી. આજે પણ સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ટીસી અમને રસ્તામાં નડતરૂપ થાય તેમ છે. ઉપરાંત બાળકો ઉપર જોખમ છે. આજે વિરોધ થતા પીજીવીસીએલની ટિમ પરત ફરી છે.