પોલીસ દ્વારા બે દિવસની ખાસ ડ્રાઇવ યોજાઈ : નિયમભંગ બદલ 47 સ્કૂલ વાહનો સામે કાર્યવાહી, 4ને ડિટેઇન કરાયામોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિક અને આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લંઘન કરતી સ્કૂલ વાન અને 'અંડર-એજ' ડ્રાઇવિંગ કરતા સગીર વયના બાળકો સામે મોરબી પોલીસે તા. 08/10/2025 થી તા. 09/10/2025 દરમિયાન બે દિવસીય 'સ્પેશિયલ વાહન ચેકિંગ ડ્રાઇવ' યોજીને કડક કાર્યવાહી કરી છે.વિદ્યાર્થીઓને જોખમી રીતે ઠાંસીઠાંસીને ભરતી સ્કૂલ વાન દ્વારા થતા ગંભીર અકસ્માતોની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે આ ડ્રાઇવ રાખવામાં આવી હતી. આ ડ્રાઇવમાં પ્રાઇવેટ પાર્સિંગ, પરમિટ, ફિટનેસ ટેસ્ટ સર્ટિફિકેટ, ફર્સ્ટ એઇડ કીટ, ફાયર એક્સટિંગ્વિશર અને ડ્રાઇવરના લાયસન્સની ચકાસણી કરવામાં આવી હતી.મોરબી જિલ્લા પોલીસે આ સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન કુલ 276 સ્કૂલ વાન ચેક કરી હતી. તેમજ નિયમભંગ બદલ 47 સ્કૂલ વાહનોને સમાધાન શુલ્ક પાવતી આપી તેમજ 27,600 ની દંડની રકમ વસૂલવામાં આવી હતી. તેમજ 04 સ્કૂલ વાહન ડિટેઇન કરાયા હતા અને અંડર-એજ ડ્રાઇવિંગ કરનારા બાળકોના 03 વાલીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે નિયમભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સાથે સ્કૂલ વાન ચાલકોને ટ્રાફિક અને આર.ટી.ઓ.ના નિયમોનું પાલન કરવા અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી અવેરનેસ કાર્યક્રમ પણ યોજ્યો હતો. આ ઉપરાંત, શાળા સંચાલકોને પણ રોડ સેફ્ટી બાબતે મળેલ સૂચનાઓનું પાલન કરવા સમજણ આપવામાં આવી હતી. મોરબી પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે, આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે.