મોરબી : માળિયા મિયાણા તાલુકાના વિશાલનગર ગામ તરફ જતો રસ્તો છેલ્લા 21 વર્ષથી બન્યો જ ન હોય ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામને માણાબા-સુલતાનપુર-ચિખલી રોડ સાથે જોડતો માત્ર 1 કિલોમીટરનો રસ્તો ગામ અલગ પડ્યુ ત્યારથી બન્યો જ નથી.ગ્રામજનોએ જણાવ્યું કે આ 1 કિલોમીટરના રસ્તા માટે છેલ્લા 21 વર્ષથી સરકારમાં સતત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આજદિન સુધી ડામર રોડ કે સુવિધાપથ રોડ બનાવવામાં આવ્યો નથી. રસ્તાની અતિશય ખરાબ હાલતને કારણે લોકોને ગામમાં જવા માટે 3 થી 4 કિલોમીટર ફરીને જવું પડે છે. સ્થાનિકોએ કહ્યું કે કાયમ માટે આ જ પરિસ્થિતિ છે, પરંતુ ચોમાસાના ચાર મહિના દરમિયાન રસ્તા પરથી પસાર થવું અશક્ય બની જાય છે.વિશાલનગરની નજીકના ચિખલી ગામે પણ એસ.ટી. બસની સુવિધા ઉપલબ્ધ ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતાં સવાલ કર્યો કે જ્યાં 21 વર્ષમાં 1 કિલોમીટરનો ડામર રોડ ન બની શક્યો હોય, ત્યાં 'મહાસત્તા' બનવાની આશા કેવી રીતે રાખી શકાય. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તો બનાવી આપવાની માંગ કરાઈ છે.