ટંકારા: દિવાળીના તહેવાર નિમિત્તે લોકો મોટી સંખ્યામાં વતન તરફ અથવા ફરવા જતા હોય છે, ત્યારે ઘર અને વેપાર સ્થળની સુરક્ષા જાળવવા માટે ટંકારા પોલીસ સ્ટેશને ટાઉન અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો જોગ અગત્યનો સંદેશ જાહેર કર્યો છે.પોલીસે નાગરિકો અને વેપારીઓને ખાસ અપીલ કરી છે કે તેઓ સુરક્ષાની પૂરતી તકેદારી રાખે. જો ઘર બંધ રાખીને વતન કે ફરવા જવાનું થાય, તો ઘરમાં રોકડ રકમ કે સોના-ચાંદીના દાગીના રાખવા નહીં. તેમજ દુકાનો, કારખાનાઓ અને ગોડાઉનની ઓફિસમાં પણ રોકડ રકમ કે કિંમતી દાગીના ન રાખવા સૂચના આપવામાં આવી છે.સોસાયટીના, તેમજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના CCTV કેમેરા સતત ચાલુ હાલતમાં રાખવા અને તેનું સમયાંતરે ચેકિંગ કરતા રહેવા જણાવ્યું છે. આ ઉપરાંત ઔદ્યોગિક એકમોમાં રાઉન્ડ ધ ક્લોક (POLICE) સિક્યુરિટીની યોગ્ય વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે.ખાસ જે રહેણાક મકાન લાંબા સમય સુધી બંધ રહેવાનું હોય, તેની નોંધણી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે કરાવવા તેમજ તાજેતરમાં રહેવા આવેલા ખેત મજૂરો, ભાડુઆતો અને ઔદ્યોગિક એકમના મજૂરોની નોંધણી અવશ્ય કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. ટંકારા પોલીસે શાંતિપૂર્ણ અને સુરક્ષિત તહેવારોની ઉજવણી માટે જનતાને સહયોગ આપવા અપીલ કરી છે.