4 મહિનાની મહેનત બાદ તૈયાર થયેલી 'મનમીત' એપ લોકોનો તણાવનો સાથી બની ભાવનાત્મક રીતે વાતચીત કરે છે, સાથે માર્ગદર્શન પણ આપે છેwww.snehnagda.org/manmeetમોરબી : આ ઝડપી અને ડિજિટલ યુગમાં તણાવનું પ્રમાણ વધી રહ્યું છે. લોકો ઘણી બધી વસ્તુઓ કોઈની સાથે શેર કરતા નથી, જે આખરે ડિપ્રેશન અને આત્મહત્યા તરફ દોરી જાય છે. આવી ઘટનાઓને રોકવા માટે મૂળ મોરબીના અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા 29 વર્ષીય સાહિલ કોટકે 'મનમીત' એપ બનાવી છે. સાહિલ કોટક સોફ્ટવેર એન્જિનિયર છે, જેમણે AI આધારિત આ એપ બનાવીને સમાજને તણાવમુક્ત જીવન માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. 'મનમીત' એક એવો સાથી છે જે તણાવમુક્ત વાતચીત, માનસિક શાંતિ અને માર્ગદર્શન અને સલાહ પ્રદાન કરે છે. લાયન્સ ક્લબ 4 થી 12 ઓક્ટોબર સુધી 200 દેશોમાં માનસિક સ્વાસ્થ્યને વૈશ્વિક સેવા પ્રવૃત્તિ તરીકે ઉજવી રહ્યું છે. સાહિલના સસરા અને લાયન્સ ક્લબના સેકન્ડ ડેપ્યુટી ગવર્નર પંકજ મારુએ આ એપને લોન્ચ કરી છે. સાહિલ કોટક મૂળ મોરબીના છે. તેના પિતા મનોજભાઈ કોટક અતિ ધાર્મિક છે. તેમના બહેન પાયલ કોટક મનોચિકિત્સક છે. બંનેએ ડિપ્રેશન અને કાઉન્સેલિંગનો અનુભવ ધરાવે છે. સાહિલને સમજાયું કે લાખો લોકો કોઈને કોઈ કારણોસર ડિપ્રેશનથી પીડાય છે. ઘણા લોકો કાઉન્સેલિંગ મેળવે છે, પરંતુ ઘણા લોકો ડિપ્રેશનના જાળમાં ફસાયેલા રહે છે, પોતાની લાગણીઓ શેર કર્યા વિના પોતાને ગૂંગળાવી નાખે છે. તેની બહેન અને પિતાના કાર્યથી પ્રેરિત થઈને, સાહિલે એક એપ બનાવી જે લોકોને તેની સાથે વાતચીત કરવામાં અને તણાવમુક્ત જીવન જીવવામાં મદદ કરે છે.આ એપ મશીનની જેમ નહીં, પણ લોકોને ભાવનાત્મક રીતે જોડવા માટે બનાવવામાં આવી હતી. તેથી, ચાર મહિનાની સખત મહેનત પછી, પ્રોગ્રામિંગ દ્વારા રીઅલ-ટાઇમ રિસ્પોન્સનો પડકાર દૂર કરવામાં આવ્યો. વધુમાં આ એપ દ્વારા કરવામાં આવતી વાતચીત ગુપ્ત રાખવામાં આવે છે.