તે અભ્યાસ અને કામ કરવા રશિયા ગયો હતો, ત્યાં શુ થયું એ અમને ખબર નથી, સરકાર મદદ કરે તેવી માંગ : યુવાનના કૌટુંબિક મામાએ મીડિયા સમક્ષ આપ્યું નિવેદનમોરબી : મોરબીનો યુવાન રશિયાની સેના તરફથી યુદ્ધ લડી રહ્યો હોય બાદમાં તેને યુક્રેનમાં આત્મસમર્પણ કરી દીધું હતું. આ યુવાન અંગે તેના કૌટુંબિક મામાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેઓએ યુવાન ભણવામાં હોશીયાર હોવાનું જણાવ્યું છે. સાથે બીજી અનેક વિગતો જાહેર કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનો 22 વર્ષીય યુવાન માજોઠી સાહિલ મોહમ્મદ હુસેન રશિયા અભ્યાસ માટે ગયો હતો. પરંતુ ત્યાં તે ડ્રગ્સના કેસમાં ફસાઈ ગયો હતો. આ ગુનામાં તેને રશિયન સશસ્ત્ર દળમાં જોડાવાની ફરજ પડી હતી. આ યુવાન યુદ્ધ લડવા માંગતો ન હતો અને તેને જીવ બચાવવા યુક્રેનિયન સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. હાલ તે યુક્રેનમાં બંદી છે. આ યુવાનના કૌટુંબિક મામા અબ્દુલભાઇ ઈબ્રાહીમભાઈ માજોઠીએ જણાવ્યું કે સાહિલ મારો કૌટુંબિક ભાણેજ થાય છે. તેના માતા મારા માસીના દીકરી છે. તે અહીં 40થી 45 વર્ષથી રહે છે. મૂળ રાજસ્થાનના પાલીના છે. સાહિલ ભણવામાં હોશિયાર હતો. પહેલા તે ટાઇલ્સના એકમમાં જોબ કરતો હતો. બેથી અઢી વર્ષ પહેલાં તે રશિયા ગયો હતો. ત્યાં અભ્યાસ સાથે કામ કરવા ગયો હતો. પરિવારમાં તેના માતા અને મામા છે. તેના પિતા સાથે સબંધ નથી. ત્યાં શુ થયું છે તે અંગે અમને કશું ખબર નથી. બસ સરકાર મદદ કરે તેવી આશા છે.