હોટેલનું બાંધકામ અટકાવવા હજુ પણ હુમલો થવાની ભીતિ હોવાથી પોલીસ પ્રોટેક્શનની પણ માંગ : ભોગ બનનારની તાલુકા પોલીસ મથકમાં અરજી મોરબી : મોરબીના હજનાળી ગામે હોટેલનું બાંધકામ અટકાવવા માટે પાંચેક શખ્સોએ એક અનુ.જાતિના વ્યક્તિને ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે આપવામાં આવી છે. જેમાં હજુ પણ હુમલો થવાની ભીતિ હોવાથી પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ પણ કરવામાં આવી છે.નવા સાદુળકા ગામના રોહિતભાઈ સોમાભાઈ સોલંકીએ તાલુકા પોલીસ મથકે આપેલી અરજીમાં જણાવ્યું છે કે તેઓના ત્રણ સંતાન દિકરા વિપુલભાઇ રોહીતભાઇ સોલંકી, પ્રકાશભાઇ રોહીતભાઇ સોલંકી અને જયેશભાઇ રોહીતભાઈ સોલંકી હજનાળી ગામના સર્વે નંબર ૩૧ પૈકી ૧ની હે.૧-૭૭-૦૫ ક્ષેત્રફળવાળી ખેતીની જમીન ધરાવે છે. જેનો કાયદેસરનો બિનખેતી હુકમ તેમજ બાંધકામની મંજુરી પંચાયતમાંથી મેળવીને વાણિજય હેતુ ફેર કરાવી છે. આ જગ્યામાં આશરે ૭થી ૮ મહીનાથી કામ ચાલી રહ્યું છે. આ જમીન કાયદેસર રજીસ્ટર દસ્તાવેજથી કરાવેલ છે. તેમજ નગરનિયોજકનો લે-આઉટ પ્લાન મંજુર કરેલ હોય તેમજ હજનાળી ગ્રામ પંચાયતમાંથી કાયદેસર બાંધકામ અંગેની મંજુરી મેળવેલી છે.વધુમાં તેઓએ અરજીમાં જણાવ્યું કે આ કામના આરોપીના પત્નીએ અમારી સામે નામદાર કોર્ટમાં મનાઈ હુકમનો દાવો દાખલ કરેલ છે. પરંતુ મનાઇ હુકમ મળેલ નથી. તેથી ઉશ્કેરાય જઇને અમારૂ બાંધકામ અટકાવા માંગે છે. તેથી ગઈ કાલે સવારે ૯:૩૦ ની આસપાસ ભુરા કલરની ઇનોવામાં પાંચેક શખ્સોએ હાથમાં લાકડાના ઘોકા સાથે આવ્યા હતા. ત્યારે હું અને મારો મજૂર હતા. આ શખ્સોએ કાઠલો પકડી જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી આપી હતી. જેથી તેમની વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેમજ અમારી ઉપર હુમલાની ભીતિ હોવાથી પોલીસ પ્રોટેક્શન પુરૂ પાડવામાં આવે તેવી માંગ છે.