મોરબી : હાલ વાહનોમાં સફેદ એલઇડી લાઇટના કારણે સામેથી આવતા વાહનોને ભારે પરેશાની ભોગવવી પડે છે અને અકસ્માતો સર્જાય છે ત્યારે ફોરવ્હીલ, લક્ઝરી બસ, મોટા ટ્રક વગેરેમાં સફેદ એલઇડી લાઇટ દૂર કરવા તેમજ આ લાઈટ તમામ વાહનમાંથી કાયમી પ્રતિબંધ મૂકવા અંગે મોરબીના કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.રમેશભાઈ રબારીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં હાલ જે ફોરવ્હીલ, ટુ વ્હીલ, મોટા ટ્રકો, લક્ઝરી બસ સહિત તમામ નાના-મોટા વાહનોમાં સફેદ એલઇડી લાઇટ લગાવવામાં આવી છે. આ લાઈટનો પ્રકાશ એટલી હદે ભયંકર હોય છે કે, સામેથી આવતા કોઈપણ વાહન ચાલક આ લાઈટથી અંજાઈ જાય છે અને જેના કારણે અકસ્માતનો ભય રહે છે. આ સફેદ લાઈટના કારણે અનેક અકસ્માતો પણ થયા છે. તેથી તાત્કાલિક ધોરણે પ્રજા હિતમાં આવી સફેદ લાઈટ તમામ વાહનમાંથી દૂર કરવા અને તમામ સફેદ લાઈટ વાળા વાહન પર પ્રતિબંધ મૂકવા માગણી કરવામાં આવી છે.