ટંકારા : ટંકારા નગરપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારી માટે વિવિધ વિસ્તારમાં રોડ રસ્તા, પાણીની પાઈપલાઈન સહિતના કામો માટે સાડા સાત કરોડથી વધુના કામોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.જેમાં ટંકારા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિસ્તારમાં સીસી રોડના કામ માટે 5.87 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં આર્યનગરના જુદા-જુદા વિસ્તાર, ઉગમણા નાકા દલિતવાસ વિસ્તાર, ચિત્રકુટ સોસાયટી અને રૂપાવટી સોસાયટી, સરદારનગર-2, લક્ષ્મીનારાયણ નગર-5, દયાનંગરનગર, કલ્યાણપર રોડથી વેલાભાઈ બાંભવાના પ્લોટ સુધી, લક્ષ્મીનારાયણ સોસાયટી, રાજકોટ-મોરબી હાઈવે થી મીઠાભાઈના ઘર સુધી, ધર્મભક્તિ સોસાયટી, પ્રભુનગર સોસાયટી, ખાડિયાવાસ વિસ્તાર, મેઈન બજારથી દરગાહ સુધી, દાદાવાડી કોલ્ડ્રીંક્સવાળી શેરી, દ્વારકાધિશ સોસાયટી સહિતના વિસ્તારમાં સીસી રોડનું કામ કરવામાં આવશે. આ ઉપરાંત ઉગમણા નાકે મહિલાઓ માટે સ્નાનઘાટ બનાવવાનું કામ, કબ્રસ્તાનમાં ભુગર્ભ પાણીનો ટાંકો બનાવવાનું કામ, 5 હોપર ટીપર સપ્લાય કરવાનું કામ, ડસ્ટબીન સપ્લાય કરવાનું કામ, બેક હો લોડર સપ્લાય કરવાનું કામના કુલ 1.40 કરોડના કામોને મંજૂરી અપાઈ છે. જ્યારે વિવિધ વિસ્તારમાં પાણીની પાઈપલાઈન નાખવા માટે 53.36 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ કામોને મંજૂરી બદલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને વહીવટદાર પી.એન. ગોર સહિતનાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.